ખબર

આણંદના અમુલના MDને નડ્યો અકસ્માત, ટુ વ્હીલર ચાલકને બચાવવા જતા કાર ડિવાઇડર સાથે અથડાઇ પલટી મારી ગઇ

જાણિતી અમૂલ ડેરીના ડાયરેક્ટર સોઢીની કાર પલટી ખાઇ જતાં સર્જાયો અકસ્માત, જુઓ તસવીરો

ભારતની અગ્રણી ડેરી સહકારી GCMMFના મેનેજિંગ ડિરેક્ટર અને અમૂલના એમડી આર.એસ.સોઢીનો બુધવારે રાત્રે ગુજરાતના આણંદ શહેર નજીક માર્ગ અકસ્માત થયો હતો. પોલીસે જણાવ્યું કે તેમને ઈજા પહોંચી છે જેને કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, હાલમાં તેમની હાલત સ્થિર છે. નાયબ પોલીસ અધિક્ષકના જણાવ્યા અનુસાર, સોઢી જે કારમાં મુસાફરી કરી રહ્યા હતા તે આણંદ-બાકરોલ રોડ પર રાત્રે 9 વાગ્યે ડિવાઈડર સાથે અથડાયા બાદ પલટી મારી ગઈ હતી.

ત્યારે અગમ્ય કારણોસર કાર ચાલકે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે અકસ્માત સર્જાયો હતો. સ્થાનિક લોકો દ્વારા ડ્રાઈવર અને સોઢીને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. બંનેને સામાન્ય ઈજા પહોંચી છે. રીપોર્ટ્સ અનુસાર, સોઢી અને તેમનો ડ્રાઇવર કારના અંદર હતા, ત્યારે જ કાર પલટી ખાઇ ગઇ હતી. એક રાહગીર અનુસાર, આણંદના બહારી વિસ્તારમાં એક ટુ વ્હીલર ચાલકને બચાવવાની કોશિશમાં ટાયર ફાટવાને કારણે કાર પલટી ગઇ હતી.

ટુ વ્હીલર ચાલકને પણ ગંભીર ઇજા પહોંચી હતી અને તેને પણ હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. અમૂલના ચેરમેન અને એમડીના અકસ્માતની જાણ થતા જ અમૂલના મોટા અધિકારીઓ દોડી આવ્યા હતા. કેટલાક લોકોનું કહેવુ છે કે, ટુ વ્હીલર ચાલકે અચાનક રસ્તો ક્રોસ કર્યો હતો અને તેને બચાવવા માટે ડ્રાઇવરે ટર્ન લીધો હતો અને કાર ડિવાઇડર સાથે અથડાઇ હતી. જે બાદ પલટી ખાઇ ગઇ હતી.

ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ (GCMMF), જેનું મુખ્ય મથક આણંદ શહેરમાં છે, તેના ઉત્પાદનોનું અમૂલ બ્રાન્ડ નામ હેઠળ માર્કેટિંગ કરે છે. સોઢી 2010થી તેના એમડી તરીકે સેવા આપી રહ્યા છે.