અમરેલી : ચોથા માળેથી છલાંગ લગાવી મહિલાએ કર્યો આપઘાત, સુસાઇડ નોટમાં લખ્યુ- આ બધા સડીસડીને મરશે…

ગુજરાતમાંથી અવાર નવાર આપઘાતના કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણીવાર કોઇ આર્થિક તંગીને કારણે તો ઘણીવાર માનસિક કે શારીરિક હેરાનગતિને કારણે આપઘાત કરી લેતુ હોય છે. તો ઘણીવાર પરણિતાઓ સાસરિયાના ત્રાસને કારણે પણ આપઘાત કરી લેતી હોય છે. હાલમાં અમરેલીમાંથી આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં ગોકુલધામ એપાર્ટમેન્ટના ચોથા માળેથી એક મહિલાએ પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી. આ મામલે હવે નવો વળાંક આવ્યો છે. મૃતકના ઘરેથી સુસાઈડ નોટ મળી આવતા ચકચાર મચી છે. આ સુસાઇડ નોટને આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.

સુસાઈડ નોટમાં એક પોલીસકર્મી સહિત ત્રણ વ્યક્તિના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. લાઠી રોડ પર આવેલ ગોકુલધામ એપારમેન્ટના ચોથા માળેથી 42 વર્ષિય ગીતાબેન બોદરે પડતું મૂકી આપઘાત કરી લીધો હતો. આ ઘટના બાદ મહિલાને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જ્યાં ફરજ પરના ડોકટર દ્વારા તેને મૃત જાહેર કરાઇ હતી. તે બાદ મૃતદેહને પીએમ અર્થે ખસેડી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પહેલા તો પોલિસને આ બનાવમાં વધુ વિગત ન મળી પરંતુ મહિલાના ઘરેથી એક ડાયરીમાં સુસાઈડ નોટ મળી આવી જેમાં ચોંકાવનારી હકીકત સામે આવી હતી

અને તે બાદ પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો. હાલ તો સુસાઈડ નોટમાં લખેલા નામોની સમગ્ર વિસ્તારમાં ચર્ચા થઈ રહી છે. ગીતાબેને સુસાઇડ નોટમાં એક પોલિસના નામનો ઉલ્લેખ કર્યો છે, તે કોણ છે તે હાલ સામે આવ્યુ નથી. મૃતકે આત્મહત્યા પહેલા લખેલી સુસાઈડ નોટમાં પ્રિયંકા જોશી, અમરેલી પોલીસના મોરી અને રાજદીપ વાળાના નામનો ઉલ્લેખ કર્યો છે. આ ત્રણ વ્યક્તિ તેની પાછળ પડી ગયા હોવાનો ઉલ્લેખ સુસાઇડ નોટમાં કરવામાં આવ્યો છે. આ ઉપરાંત કરશન બોદરે લગ્ન કર્યા શારીરિક-માનસિક ત્રાસ આપ્યાનો પણ ઉલ્લેખ તેમાં કરાયો છે.

અમરેલીના ઈન્ચાર્જ એસપીએ જણાવ્યુ કે, મૃતકે સુસાઈડ નોટમાં ત્રણ નામનો ઉલ્લેખ કર્યો છે અને તેમના પિતાનું નિવેદન લેતા તેમણે કહ્યું કે, તેમના પુત્રી માનસિક અસ્વસ્થ રહેતા હતા જેના કારણે આત્મહત્યા કરી છે. તેમને કોઈપણ પ્રકારનો ત્રાસ ન હતો. જો કે, મહત્વની વાત તો એ છે આ સુસાઈડ નોટમાં અમરેલી પોલીસ “મોરી” નામનો ઉલ્લેખ તે કોણ છે ? તે અંગે સવાલ ઉઠી રહ્યા છે.

Shah Jina