ગુજરાતમાંથી અવાર નવાર હાર્ટએટેકથી મોતના મામલા સામે આવે છે, ત્યારે હાલમાં વધુ એક બનાવ અમરેલીના રાજુલાથી સામે આવ્યો છે. એક લગ્ન પ્રસંગમાં ગરબે રમવા દરમિયાન 24 વર્ષિય યુવકનું હૃદય થંભી જતાં તે મોતને ભેટ્યો અને લગ્ન પ્રસંગની ખુશી માતમમાં ફેરવાઇ ગઇ. એકના એક પુત્રનું મોત થતાં પરિવાર માથે પણ આભ ફાટી પડ્યુ.
પ્રાપ્ત જાણકારી અનુસાર, રાજુલાના કિશોરભાઈ પટેલને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. તેઓ કન્ટ્રક્શનનો વ્યવસાય કરે છે. તેમનો 24 વર્ષિય પુત્ર પાવન અમદાવાદ ખાતે સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો હતો. એક મિત્રના ઘરે લગ્ન હોવાને કારણે તે અમદાવાદથી રાજુલા આવ્યો હતો અને ગત રાત્રે મિત્રો સાથે મનમૂકીને ગરબા રમવા દરમિયાન તેને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો, અને આ પછી તે ઢળી પડ્યો.
જો કે તાત્કાલિક ત્યાં હાજર લોકોએ તેને તાત્કાલિક પ્રથમ ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો અને બાદમાં સિવિલ હોસ્પિટલ ખસેડ્યો. જો કે ડોક્ટરોએ તેને મૃત જાહેર કરતા પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો. આ ઉપરાંત લગ્ન પ્રસંગ પણ ફીકો પડી ગયો હતો.