ચોરી કરવી, નશો કરવો, બીજા કેટલાય ખરાબ કામમાં સપડાયેલા આ અમિતભાઈને મળ્યા પ્રમુખસ્વામી મહારાજ, પછી એવી રીતે બદલાઈ ગયું જીવન કે.. જુઓ શું કહ્યું ?

અમદાવાદમાં ચાલી રહેલ ભવ્ય પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવને હવે પૂર્ણ થવામાં ગણતરીના દિવસો જ બાકી છે. આ મહોત્સવ ગત 15 ડિસેમ્બરથી જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવો હતો. જેની પુર્ણાહુતી 15 જાન્યુઆરીના રોજ થવાની છે. ત્યારે સતત એક મહિના સુધી ચાલેલા આ મહોત્સવમાં લાખો લોકો મુલાકાત લેવા માટે આવી ગયા છે, માત્ર દેશમાંથી જ નહીં વિદેશમાંથી પણ લોકો આ મહોત્સવમાં સહભાગી થવા આવ્યા.

તો ઘણા લોકો આ મહોત્સવમાં પોતાના કામકાજ છોડી અને સેવા પણ આપી રહ્યા છે. જેમાંથી ઘણાં લોકોની કહાનીઓ પણ સામે આવી રહી છે. આવા જ એક હરિભક્તની કહાની પણ હેરાન કરી દેનારી છે. આ યુવકનું નામ અમિત ભાવસાર છે અને તેનો જન્મ પેરિસમાં થયો હતો. અમિત ભાવસારે ગુજરાતી જાગરણ મીડિયા સાથે વાત કરતા તેના જીવન વિશેની ઘણી બધી વાતો જણાવી હતી.

અમિતે જણાવ્યું હતું કે તે આ મહોત્સવમાં ગોલ્ફ કાર ચલાવીને મહેમાનોને ફેરવવાની સેવા અત્યારે આપી રહ્યો છે. તેનો જન્મ પેરિસમાં જ થયો હતો અને બાળપણમાં જ આફ્રિકાથી આવેલા છોકરાઓ સાથે ફરતો થઇ ગયો અને તેમના રંગમાં રંગાઈ ગયો હતો. જેના કારણે તે નાનપણથી જ નશો કરવો, ચોરી કરવી, મહિલાઓના પર્સ છીનવી લેવા જેવા કામો કરવામાં આગળ રહ્યો હતો.

અમિતે આગળ જણાવ્યું કે વર્ષ 2000માં પ્રમુખસ્વામી મહારાજ પેરિસમાં આવ્યા હતા. ત્યારે મારા મમ્મીએ મને તેમના દર્શન કરવા માટે જવાનું કહ્યું, પરંતુ મને કોઈ રસ નહોતો. પરંતુ મમ્મીના આગ્રહના કારણે મેં હા કહ્યું. 2 દિવસ વીતી ગયા અને હું ના જઈ શક્યો ત્યારે મારા મમ્મીએ મારા બોસને ફોન કરીને મને વહેલા છોડી દેવા માટેનું કહ્યું અને પછી બોસના કહેવાથી હું પ્રમુખસ્વામીને મળવા માટે પહોંચ્યો.

તેમણે આગળ જણાવ્યું કે ત્યાં પહોંચતાની સાથે જ મારી નજર સ્ટેજ પર ઉભેલા પ્રમુખસ્વામી પર પડી, ત્યાં બીજા સંતો પણ હતા પરંતુ મારી નજર તેમની પર જ ગઈ. ત્યારે ત્યાં એક હરિભક્ત આવ્યા અને મને કહ્યું કે તારે બાપાને મોજડી પહેરાવવાની છે. મેં ના કહ્યું પરંતુ તેમના આગ્રહના કારણે હું બાપાને મોજડી પહેરવવા માટે રાજી થયો. બાપાનો નીકળવાનો સમય પણ થઇ ગયો હતો અને ત્યાં ભીડ પણ ઘણી હતી.

જેના કારણે હું બાપા આગળ ઘૂંટણે બેસી ગયો અને તેમને મોજડી પહેરાવવા લાગ્યો. પરંતુ બાપાને ખબર નહોતી કે હું તેમને મોજડી પહેરાવું છું. એટલે મેં તેમનો અંગુઠો દબાવ્યો, પરંતુ ભીડ વધુ હોવાના કારણે બાપાને ખબર જ ના પડી. આખરે મેં મોજડી સાથે જ જોરથી બાપાનો અંગુઠો દબાવ્યો અને એમની અને મારી નજર એક થઇ ગઈ અને બાપા મારી સામે જોઈને હસ્યા. અમિતે જણાવ્યું કે એ પ્રસંગને શબ્દોમાં વર્ણવવો ખુબ જ મુશ્કેલ છે. એટલું જ કહીશ કે પુરુષ 100% અલગ હતા. (સૌજન્ય: ગુજરાતી જાગરણ)

Niraj Patel