ખબર

વાહ રાજકોટનો આ યુવાન તેના લગ્નમાં લાખો રૂપિયાના ધુમાડા કરવાના બદલે માનવતા દાખવતું કરશે એવું કામ કે જોઈને તમે પણ કરશો સલામ

રાજકોટનું આ દંપતી પોતાના લગ્નમાં લાખોનો ખર્ચ કરવાના બદલે કરશે એવું રૂડું કામ કે જોઈને તમે પણ કહેશો… “આજ ખરા લગ્ન કહેવાય..” જુઓ

હાલ દેશભરમાં લગ્નનો માહોલ ચાલી રહ્યો છે અને આ લગ્નના માહોલ વચ્ચે ઘણા બધા વૈભવી લગની ઝાંખી પણ જોવા મળતી હોય છે જેમાં લાખો કરોડોના ખર્ચે લગ્નનું એવું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે કે તે જોઈને લોકોની આંખો ચાર રહી જતી હોય છે. તો બીજી તરફ આજના ઘણા યુવાનો પોતાના લગ્ન અનોખી રીતે કરવાના પણ આયોજન કરતા હોય છે.

ઘણા યુગલો પોતાના લગ્નને ખાસ બનાવવા માટે લગ્નમાં થનારા ખર્ચ અને આયોજનને એક અલગ રીતે નક્કી કરવાનું વિચારે છે અને તેના કારણે તેમના લગ્ન પણ ચર્ચામાં આવી જતા હોય છે. હાલ એવા જ એક લગ્ન રાજકોટમાંથી સામે આવ્યા છે જેમાં લગ્નનો ખર્ચ માનવતાના શ્રેષ્ઠ કાર્યમાં વપરાતો જોવા મળી રહ્યો છે.

આ લગ્નની એક પત્રિકા પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે જેમાં દંપતીએ પોતાના લગ્નના દિવસે ક્યાં ક્યાં સેવાકીય કાર્યો કરવાના છે તે પણ જણાવ્યું છે. આ લગ્નનું આયોજન કાલાવડના આણંદપર અને સાંઢવાયા ગામમાં આગામી 7,8 અને 9 માર્ચના રોજ કરવામાં આવ્યું છે, પરંતુ આ લગ્ન ભવ્ય વરઘોડા કે જાહોજલાલી સાથે નહિ પરંતુ એક અલગ રીતે થવાના છે.

આ લગ્ન છે ગોબરભાઈ જેસડિયાના દીકરા અમિતભાઈના. મુળજીભાઈ પણસારાની દીકરી રાધા સાથે અમિત સાત ફેરા ફરવાનો છે. ત્યારે તેમના લગ્નની કાર્ડની અંદર પરિવારના સ્નેહીજનોના નામ, લગ્નની વિધિઓ અને પ્રસંગોની જગ્યાએ લગ્નની અંદર કેવા કેવા અનોખા આયોજન અને સેવાકીય કાર્યો કરવાના છે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

કાર્ડની અંદર “મારા જીવનનો ઉદ્દેશ” કરીને “જીવન અંજલિ થાજો”ની પંક્તિઓ લખી છે. સાથે જ આણંદપર ગામમાં, ગામની ગૌ શાળામાં ત્રણ દિવસ સુધી લીલુ ઘાસ આપવું,  ગામની શાળામાં બાળકોને નાસ્તા પેટી અને નાસ્તો આપવો, ગામમાં પક્ષીને ચણ નાખવું, ઝુંપડપટ્ટીના બાળકોને નાસ્તો આપવો અને કાલાવડ વૃધ્ધાશ્રમમાં વડિલોને નાસ્તાનું વિતરણ કરવાનું પણ લખ્યું છે.

આ ઉપરાંત સાંઢવાયા ગામમાં પણ આ લગ્ન પ્રસંગે ગામની ગૌ શાળામાં ત્રણ દિવસ સુધી લીલુ ઘાસ આપવું, ગામની શાળામાં બાળકોને નાસ્તાપેટી અને નાસ્તો આપવો, ગામમાં પક્ષીઓને ચણ નાખવું, ઝૂંપડપટ્ટીના બાળકોને નાસ્તો કરાવવો. જેવી વિગતો પણ લખવામાં આવી છે. જેના કારણે આ લગ્ન ખુબ જ ખાસ બની રહ્યા છે અને લગ્નની કંકોત્રી પણ વાયરલ થઇ રહી છે.