યુવતીને રૂમમાં બંધ કરી આપી થર્ડ ડિગ્રી, 42 સેકેન્ડમાં તળિયા પર વરસાવ્યા 22 ડંડા, વાયરલ થયો અમેઠીનો દર્દનાક વીડિયો

સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ બની ગયુ છે કે કોઇ પણ વીડિયો વાયરલ થતા જરાય પણ સમય નથી લાગતો. સોશિયલ મીડિયા પર અવાર નવાર ઘણા વીડિયો વાયરલ થતા હોય છે પરંતુ હાલ જે વીડિયો સામે આવ્યો છે તે ખરેખર દર્દનાક છે. આ વીડિયોમાં એક છોકરીને કેટલાક યુવકો માર મારતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો યુપીના અમેઠીનો હોવાનું સામે આવ્યુ છે. વાયરલ વીડિયોમાં એક યુવતીને બે યુવકો દ્વારા લાકડીઓથી મારવામાં આવી રહ્યો છે અને તેને જમીન પર સુવડાવીને તેના પગ નીચે એટલે કે તળિયામાં પણ ડંડા વરસાવવામાં આવી રહ્યા છે. આ ઘટના બાદ વહીવટી તંત્રમાં ખળભળાટ મચી ગયો છે.

આ બાબતની નોંધ લઈ પોલીસે પીડિતાના પિતાનો સંપર્ક કરી ફરિયાદ લઈ આરોપીઓ સામે ગુનો નોંધી તેમની શોધખોળ શરૂ કરી છે. આ મામલો અમેઠી કોતવાલી વિસ્તારના રાયપુર ફુલવારી ગામનો છે. થોડા દિવસો પહેલા આ સ્થળે રહેતા સૂરજ સોનીના ઘરેથી બે મોબાઈલ ફોનની ચોરી થઈ હતી અને આ ચોરી સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ચોરી કરનાર યુવતીની ઓળખ ઉક્ત યુવકોએ કરી હતી, પરંતુ તેમણે પોલીસ સ્ટેશનને જાણ કરી ન હતી.

ત્યાર બાદ આ યુવકોએ છોકરીને તક મળતા જ પકડી લીધી અને આ લોકો તેને તેમના ઘરે લઈ ગયા, જ્યાં તેને થર્ડ ડિગ્રી ટોર્ચર કરવામાં આવી. આ યુવકોએ યુવતીને ખૂબ માર માર્યો, જેનો વીડિયો પણ બનાવ્યો. આ વીડિયો ક્યાંકથી સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયો. વીડિયોમાં જોવા મળે છે કે એક છોકરો બેડ પર બેઠો છે અને તેનો સાથી લાકડી લઈને ઉભો છે. તે છોકરીને પીઠ પર જમીન પર સૂવા માટે કહી રહ્યો છે. આ પછી, બીજો યુવક તેની પીઠ પર પગ રાખીને ઉપર ચઢે છે, જ્યારે અન્ય યુવક તેના પગ પકડી રાખે છે અને અન્ય યુવકે તેના પગના તળિયા પર લાકડીઓ વડે જોરથી માર મારે છે.

આ સમગ્ર ઘટના દરમિયાન કેટલીક મહિલાઓ પણ ત્યાં ઉભી હોય છે, જેઓ યુવકોની મદદ કરતી જોવા મળે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પોલીસના હાથે લાગ્યો હતો. પોલીસની ટીમ ઉતાવળમાં પીડિત યુવતીના ઘરે પહોંચી હતી. જ્યાં તપાસમાં આ ઘટના સાચી હોવાનું જાણવા મળ્યું હતું. આ પછી, પોલીસે પીડિતાના પિતાની ફરિયાદ પર આરોપી અને અન્ય લોકો વિરુદ્ધ તાત્કાલિક કેસ નોંધ્યો અને આરોપીની શોધ શરૂ કરી.

Shah Jina