ટેક્સાસની સ્કૂલમાં 18 વર્ષના છોકરાએ કર્યુ અંધાધૂંધ ફાયરિંગ, નાના બાળકો અને વિદ્યાર્થી તેમજ ટીચર સહિત 21ના મોત

અમેરિકા : સ્કૂલમાં ગોળીબાર, 18 વર્ષિય શૂટરે 19 વિદ્યાર્થીઓ, 2 ટીચર સહિત 23 લોકોને ઉતાર્યા મોતને ઘાટ, વિદ્યાર્થીઓના જીવ લીધા પહેલા દાદી પર ચલાવી હતી ગોળી, પોસ્ટ કરી હતી રાયફલની તસવીર

અમેરિકાથી ફરી એકવાર ચોંકાવનારી ઘટના સામે આવી છે. ટેક્સાસની એક સ્કૂલમાં 18 વર્ષના છોકરાએ ગોળીબાર કર્યો છે, જેમાં 18 વિદ્યાર્થીઓ સહિત 21 લોકોના મોત થયા છે.ટેક્સાસના ગવર્નરે આ જાણકારી આપી છે. ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં પણ અમેરિકામાં આ પ્રકારનો ભીષણ ગોળીબાર જોવા મળ્યો છે. આ ઘટના પર રાષ્ટ્રપતિ જો બિડેને કહ્યું છે કે હું આ બધાથી કંટાળી ગયો છું, હવે અમારે કાર્યવાહી કરવી પડશે. ટેક્સાસના ગવર્નરે માહિતી આપી હતી કે ગોળીબારની ઘટના ટેક્સાસના ઉવાલ્ડે શહેરમાં બની હતી. ત્યાં, એક 18 વર્ષીય શૂટરે રોબ એલિમેન્ટરી સ્કૂલના વિદ્યાર્થીઓ પર ગોળીઓનું લક્ષ્ય રાખ્યું હતું.

રાજ્યપાલના જણાવ્યા અનુસાર, ફાયરિંગમાં 18 વિદ્યાર્થીઓના મોત થયા હતા અને ત્રણ શિક્ષકોએ પણ જીવ ગુમાવ્યા હતા. પ્રેસ કોન્ફરન્સમાં તેમણે એ પણ જણાવ્યું કે આરોપી શૂટરે હુમલો કર્યા બાદ પોતાને ગોળી મારી દીધી હતી. આ ઘટના બપોરના સમયની જણાવવામાં આવી રહી છે જ્યારે એક 18 વર્ષીય શૂટર અચાનક સ્કૂલ કેમ્પસમાં ઘૂસી ગયો હતો. શૂટર વિશે પોલીસને જાણ થતાં જ તરત જ ફોર્સ ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી, જ્યારે બાળકોના માતા-પિતાને કેમ્પસમાં ન જવાની અપીલ કરવામાં આવી હતી.

કેટલાક રીપોર્ટ અનુસાર ઘટનાની માહિતી મળતાં સ્થળ પર પહોંચેલી ટેક્સાસ પોલીસે જવાબી કાર્યવાહી કરીને હુમલાખોરને ઠાર માર્યો હતો. હવે આ ઘટનામાં નવો ખુલાસો થયો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટનાને અંજામ આપતા પહેલા હુમલાખોરે તેની દાદી પર ફાયરિંગ કર્યું હતું. પ્રારંભિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું કે 18 વર્ષીય હુમલાખોર પહેલા તેની દાદીના ઘરે ગયો હતો. ત્યાં તેણે તેની દાદી પર ફાયરિંગ કર્યું અને પછી સ્કૂલમાં ઘૂસી ગયો. પ્રાપ્ત માહિતી અનુસાર હુમલાખોરે શાળામાં પ્રવેશતાની સાથે જ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો.

જે પણ હુમલાખોરની સામે આવ્યુ તેણે તેના પર ગોળીબાર કર્યો. એક પછી એક હુમલાખોરોએ પ્રથમ, બીજા, ત્રીજા અને ચોથા ધોરણના વિદ્યાર્થીઓ પર ગોળીબાર કર્યો, જેમાં અનેક લોકોના મોત થયા.રાષ્ટ્રપતિ બિડેને આ ઘટના બાદ દેશને સંબોધિત કરતા કહ્યું કે, હું રાષ્ટ્રપતિ બન્યા બાદ ક્યારેય આવું સંબોધન કરવા માંગતો ન હતો. તેમણે એ તમામ પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી જેમના બાળકો આ ઘટનામાં મૃત્યુ પામ્યા છે. આ સિવાય બિડેને છેલ્લા કેટલાક વર્ષોમાં અમેરિકન શાળાઓ પર થયેલા હુમલાનો પણ ઉલ્લેખ કર્યો હતો.

Image source

જો બિડેને કહ્યું કે, આ બધું માસૂમ દેખાતા બાળકો સાથે થયું છે. આ બાળકો ત્રીજા અને ચોથા ધોરણમાં હતા. આમાંના ઘણા બાળકોએ તેમના મિત્રોને મરતા જોયા છે. ઘણા માતા-પિતા છે જેઓ તેમના બાળકોને ફરી ક્યારેય જોઈ શકશે નહીં. બાળકને ગુમાવવું એ તમારા શરીરના એક ભાગને ફાડી નાખવા જેવું છે. ગવર્નરના જણાવ્યા અનુસાર, ડિસેમ્બર 2012માં સેન્ડી હૂક સ્કૂલમાં થયેલા ગોળીબાર પછી આ બીજી સૌથી મોટી ગોળીબારની ઘટના છે. તમને જણાવી દઈએ કે સેન્ડી હૂક સ્કૂલ ફાયરિંગમાં 26 લોકોના મોત થયા હતા. ટેક્સાસની શાળામાં ગોળીબારની ઘટનાનો ઇતિહાસ ઘણો લાંબો છે. રોજ નાની નાની ઘટનાઓ બને છે.

વર્ષ 2018માં 17 વર્ષના વિદ્યાર્થીએ સ્કૂલમાં ગોળીબાર કર્યો હતો, જેમાં 10 લોકોના મોત થયા હતા. પોલીસને એ પણ જાણવા મળ્યું છે કે હુમલાખોરે ઘટનાને અંજામ આપતા પહેલા તેના સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર AR15-શૈલીની રાઇફલની તસવીર શેર કરી હતી. આ તસવીર હવે સામે આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ 18 વર્ષના હુમલાખોરની માનસિક સ્થિતિ સારી નહોતી. તમને જણાવી દઈએ કે, અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. ત્યાં વ્હાઇટ હાઉસમાં રાષ્ટ્રધ્વજ અડધો ઝુકાવવામાં આવ્યો હતો અને ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો.

Shah Jina