અમેરિકામાં ગુજરાતીઓ સાવધાન: અમેરિકામાં આ ફેમસ જગ્યાએ અચાનક થયો ગોળીબાર, 4 ના મોત, જુઓ તસવીરો

અમેરિકા ફરી એકવાર ગન ક્રાઇમથી હચમચી ઉઠ્યું છે અને આ વખતે ચાર લોકોના મોત થયા છે. અમેરિકાના અલાબામા રાજ્યના બર્મિંગહામ શહેરમાં સામૂહિક ગોળીબારની ઘટના બની છે, જેમાં ચાર લોકોના મૃત્યુ થયા હોવાના અહેવાલો છે. આ ઘટના શનિવારે મોડી રાત્રે બની હોવાનું જણાવાય છે. પોલીસે માહિતી આપી છે કે અધિકારીઓએ મોટા પાયે થયેલા ગોળીબારનો અહેવાલ નોંધ્યો છે. ગન ક્રાઇમની ઘટનામાં 24 કલાકની અંદર 4 કે તેથી વધુ લોકોના મોત નીપજે તો તેને સામૂહિક ગોળીબાર (માસ શૂટિંગ) ગણવામાં આવે છે અને આ પણ તેવી જ ઘટના છે.

બર્મિંગહામ પોલીસ વિભાગે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં જણાવ્યું છે કે, “અધિકારીઓ એકથી વધુ ગોળીબારની ઘટનાના સ્થળે પહોંચી ગયા છે. કેટલાક લોકોને ઈજાઓ પણ થઈ છે.” સોશિયલ મીડિયા પોસ્ટમાં ઉમેરવામાં આવ્યું છે કે ગોળીબાર શહેરના ફાઇવ પોઇન્ટ સાઉથ વિસ્તારમાં થયો હતો. આ ફાયરિંગમાં ઓછામાં ઓછા ચાર લોકો મૃત્યુ પામ્યા છે અને એક ડઝન જેટલા લોકો ઘાયલ થયા છે.

આ ઘટના વિશે હજુ વધુ વિગતો એકત્રિત કરવામાં આવી રહી છે. પરંતુ પ્રાથમિક અહેવાલો સૂચવે છે કે જ્યારે ગોળીબાર થયો ત્યારે ક્લબના પેટ્રન્સ મેગ્નોલિયા એવેન્યુ પર આવેલા હુક્કા અને સિગાર લાઉન્જની બહાર લાઇનમાં ઊભા હતા. તે સમયે કોઈએ અચાનક ગોળીબાર શરૂ કર્યો હતો. આ ઘટનાના પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે ગોળીઓનો અવાજ એવો હતો કે જાણે તે કોઈ ઓટોમેટિક ગન હોય જે સતત ફાયરિંગ કરી રહી હોય. અમેરિકી અધિકારીઓનું માનવું છે કે ઘટના સમયે ત્યાં એકથી વધુ શૂટર્સ હતા અને હજુ સુધી કોઈ ધરપકડ કરવામાં આવી નથી.

બર્મિંગહામના ફાઇવ પોઇન્ટ્સ સાઉથ વિસ્તારમાં એક બારની બહાર આ ઘટના બની હોવાનું જાણવા મળે છે. કેટલાક હુમલાખોરોએ ગોળીબાર કરીને અરાજકતાનું વાતાવરણ સર્જ્યું હતું. ગોળીબારનો ભોગ બનેલા ત્રણ વ્યક્તિઓનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું, જ્યારે ચોથી વ્યક્તિને હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત જાહેર કરવામાં આવી હતી. અમેરિકામાં આવી ઘટનાઓમાં વધારો થયો છે જ્યાં ગન ક્રાઇમ દ્વારા લોકોને નિર્દયતાપૂર્વક મારી નાખવામાં આવે છે. એબીસીના અહેવાલ અનુસાર, પોલીસને રાત્રે લગભગ 11 વાગ્યે ગોળીબારની ઘટનાની જાણ થઈ હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ગોળીબારમાં ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલ લઈ ગઈ.

ગોળીબાર થયો તે સ્થળેથી આઠ ઘાયલ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા અને તેમને બર્મિંગહામની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એવી શક્યતા છે કે એકથી વધુ હુમલાખોરોએ મેગ્નોલિયા એવેન્યુ પર લોકોના સમૂહ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. પોલીસનું કહેવું છે કે તેઓ જવાબદાર વ્યક્તિઓને શોધવા, ઓળખવા અને ધરપકડ કરવા માટે તમામ શક્ય પ્રયાસો કરશે. અમેરિકામાં ત્રણ અઠવાડિયા અગાઉ એક હાઈસ્કૂલમાં પણ આવી જ રીતે હુમલો થયો હતો જેમાં એક 14 વર્ષીય છોકરાએ પોતાના શિક્ષકો અને સહપાઠીઓ સહિત ચાર લોકોની હત્યા કરી હતી. આ કેસમાં છોકરાની સાથે તેના પિતાને પણ પકડવામાં આવ્યા છે કારણ કે પિતાએ જ તેને બંદૂક ભેટમાં આપી હતી, તેથી તેની પણ જવાબદારી બને છે.

Dhruvi Pandya