“મારા મરવાનું અસલી કારણ રમલી તથા તેના દિકરાની વહુ છે !” ફોનમાં વીડિયો રેકોર્ડિંગ કરીને યુવતીએ જીવન ટૂંકાવ્યું

અમદાવાદના બાવળમાં વીડિયો રેકોર્ડિંગ કરી યુવતી ફાંસીના ફંદે લટકી ગઈ, વીડિયોમાં જણાવ્યું આપઘાત પાછળનું ભયાનક કારણ

રાજ્યભરમાં આપઘાતના કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે, જેમાં ઘણા લોકો સમય કરતા પહેલા મોતને વહાલું કરતા હોય છે. આવી જ એક ઘટના હાલ અમદાવાદ નજીક આવેલા બાવળામાંથી સામે આવી છે, જ્યાં એક યુવતીએ વીડિયો રેકોર્ડિંગ કરીને પોતાનું જીવન ટૂંકાવી લેવાની ઘટનાએ ચકચાર મચાવી છે.

(પ્રતીકાત્મક તસવીર)

પ્રાપ્ત માહિતી અનુસાર બાવળાનાં રામનગરમાં રહેતી યુવતીને તેની ફઈબા અને ફઈબાનાં દિકરાની વહુએ અગાઉ કરવામાં આવેલી ફરિયાદ પાછી ખેંચી લેવા માટે સતત દબાણ કરવામાં આવતું હતું. આ ઉપરાંત જો ફરિયાદ પાછી ના ખેંચે તો તેની સગાઇ થઇ છે તે તોડી નંખાવવાની ધમકી પણ આપવામાં આવી હતી, જેનાથી કંટાળીને યુવતીએ પહેલા ફોનમાં વીડિયો રેકોડિંગ કરીને ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. જે અંગેની ફરિયાદ યુવતીની માતાએ બાવળા પોલીસમાં નોંધાવી હતી. જે અંતર્ગત પોલીસે ગુન્હો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

આ બાબતે મળી રહેલી વધુ માહિતી પ્રમાણે બાવળા પાસે રામનગરમાં આવેલા ઇન્દિરા આવાસમાં રહેતાં મંજુબેન પ્રવિણભાઇ ઉર્ફે જેણો દેવીપુજકે બાવળા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે 2018ની સાલમાં મારી દીકરી નેહાબેન મારા નણંદના દીકરા રાજુભાઇ જોરૂભાઇ દેવીપુજક (રહેવાસી,રામનગર)ની સાથે ભાગી ગઇ હોવાથી બાવળા પોલીસમાં પોકસોની ફરિયાદ આપી હતી. પછી મારી નંણદનો દિકરો રાજુભાઇ સાબરમતી સેન્ટ્રલ જેલમાં હતો. હાલમાં તેઓ જામીન ઉપર છૂટેલો છે કે કેમ તેની મને ખબર નથી. ત્યારથી મારી નણંદ ઘરના માણસોને અવાર નવાર સમાઘાન માટે દબાણ કરતા હતા.

તેમને ફરિયાદમાં આગળ જણાવ્યું છે કે, “મંગળવારે સવારના નવ વાગ્યે હું તથા મારો દીકરો ચા પાણીની લારી ઉપર ગયેલા અને બપોરે એક વાગ્યે મારી દીકરી નેહાબેન જમવાનું બનાવી ટીફીન દેવા આવી ત્યારે મને તથા મારા દીકરાને વાત કરી હતી કે હું થોડા દીવસ પહેલા દુકાને વસ્તુ લેવા માટે ગઇ હતી ત્યારે મારી ફોઇ રમીલાબેન જોરૂભાઇ દેવીપુજક તથા સુનિતાબેન રાજુભાઇ મને મળેલા અને મને દબાણ કરતા હતા કે તે મારા દીકરા રાજુભાઇ ઉપર કરેલ કેસ પાછો ખેચી લે અને સમાઘાન કરી દે તેમ કહેતા હતા અને તું સમાધાન નહી કરે તો તારો સંબધ સાણંદ કરવાનો છે ત્યાં હું તારી બધી વાત કરી દઇશ તેવું મને કહેતા હતા. જેથી મે મારી દીકરી નેહાબેનને સમજાવીને ઘરે પરત મોકલી આપી હતી.”

તેમને આગળ એમ પણ જણાવ્યું છે કે “ત્યારબાદ સાડા છ વાગ્યે મારા દીકરા પુનમના ફોન ઉપર મારા જેઠાણીનો ફોન આવ્યો હતો કે નેહાબેન ઘરે ગળે ફાસો ખાધેલો છે તેવી વાત કરતા હુ તથા મારો દીકરો પુનમભાઇ તાત્કાલિક ઘરે આવેલા અને ઘરે જોયેલું તો મારી દીકરી નેહાબેન ઘરે દુપટા વડે પંખા સાથે ગળેફાસો ખાધો હતો. પોલીસને જાણ કરતાં પોલીસ આવી ગઈ હતી.”

(પ્રતીકાત્મક તસવીર)

પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા બાદ યુવતીનો મોબાઈલ તપાસ્યો હતો, જેમાંથી એક વીડિયો પણ મળી આવ્યો હતો, જેની અંદર યુબીટીએ જણાવ્યું હતું કે,. ‘આનુ અસલી કારણ રમલી તથા તેના દીકરાની વહુ છે. જેથી મારી નંણદ રમીલાબેન દેવીપુજક અને સુનિતાબેન રાજુભાઇ દેવીપુજક બંને અવાર નવાર અગાઉ કરેલા કેસનું સમાઘાન કરવા માટે દબાણ કરી મરવા માટે મજબુર કરી હતી.” આ વીડિયોની અંદર યુવતીનો ચહેરો સ્પષ્ટ દેખાઈ રહ્યો નહોતો. પરંતુ તેના અવાજ ઉપરથી તે વીડિયો યુવતીનો છે તે જાણવા મળ્યું હતું.

Niraj Patel