ઉત્તરાયણ પર માવઠાંને લઈને અંબાલાલ પટેની મોટી આગાહી! ઉત્તરાયણમાં આ જિલ્લાઓમાં પડશે વરસાદ, પતંગ રસિયાઓ ખાસ વાંચો

હાલ રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી દિવસોના હવામાન અંગે આગાહી કરી છે, જે મુજબ રાજ્યમાં કમોસમી વરસાદ અને ત્યારબાદ ઠંડીનું જોર વધવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. તેમની આગાહી મુજબ, રાજ્યમાં ઉત્તરાયણ દરમિયાન કમોસમી વરસાદ પડી શકે છે.

અંબાલાલ પટેલે જણાવ્યું કે, જાન્યુઆરી મહિનામાં હવામાનમાં ભારે પલટો આવવાનો છે. ભારે પવન ફૂંકાવા અને હિમવર્ષા થશે. જેની ઉત્તર ભારતમાં ભારે અસર જોવા મળશે. આગામી તારીખ 4 થી 7 દરમિયાન ગુજરાતમાં ભારે ઠંડી રહેશે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં તાપમાન 8 ડિગ્રીથી નીચું જવાની શક્યતાઓ છે.

અંબાલાલ પટેલે ઉત્તરાયણ પર માવઠાંની આગાહી કરતા કહ્યું કે, આગામી તારીખ 12 થી 18 જાન્યુઆરી સુધી રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ થઈ શકે છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છના કેટલાક ભાગોમાં માવઠાની પ્રબળ શક્યતાઓ છે. અમદાવાદ અને ગાંધીનગરના કેટલાક વિસ્તારોમાં પણ હવામાનમાં પલટો આવશે. આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ક્યાંક છાંટા પણ પડી શકે છે. આગામી 12થી 18 તારીખ દરમિયાન કમોસમી વરસાદ થવાથી ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ નિરાશ થઈ શકે છે.

કમોસમી વરસાદના કારણે ખેડૂતોને પાકને નુકસાન થવાની ચિંતા છે. ખાસ કરીને તુવેર, રાઈ અને શાકભાજીના પાકને નુકસાન થઈ શકે છે. શાકભાજીના પાકમાં ઈયળ પડવાની પણ શક્યતા છે. અજમો સહિતના મસાલાના પાકમાં પણ રોગ આવી શકે છે. આ આગાહીને ધ્યાનમાં રાખીને ખેડૂતોને પોતાના પાકની કાળજી લેવાની સલાહ આપવામાં આવે છે.

Twinkle