બસ હવે ગણતરીના જ દિવસોમાં ગુજરાતીઓનો ફેવરેટ તહેવાર નવરાત્રી શરૂ થવા જઇ રહ્યો છે, પણ આ વખતે નવરાત્રિ પર વરસાદનું સંકટ તોળાઇ રહ્યુ છે. ત્યારે હાલમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની નવરાત્રિમાં વરસાદને લઇને આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલની આગાહી બાદ ખેલૈયાઓ અને આયોજકો ચિંતામાં મુકાયા છે.
અંબાલાલ પટેલની નવરાત્રિમાં વરસાદને લઇને આગાહી
અંબાલાલ પટેલ અનુસાર, નવરાત્રિમાં વરસાદ વિઘ્ન બનશે. 17 ઓક્ટોબરથી 20 ઓક્ટોબર સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે. પશ્ચિમી વિક્ષેપ આવતા કરા સાથે વરસાદ થવાની શક્યતા છે. અંબાલાલ પટેલે જણાવ્યુ કે, વરસાદ થતાં દરિયાઈ વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની પણ સંભાવના છે અને તેને કારણે વહેલી સવારે અને રાત્રીના સમયે ઠંડીનો ચમકારો અનુભવાશે.
નવરાત્રીની સાથે સાથે ભારત-પાકિસ્તાન મેચમાં પણ વરસાદ બની શકે છે વિઘ્ન
આ ઉપરાંત ભારત-પાકિસ્તાન મેચમાં પણ વરસાદ વિઘ્ન બને તેવી શક્યતા છે. 14 ઓક્ટોબર શનિવારના રોજ વાતાવરણમાં પલટા સાથે છૂટાછવાયા વરસાદની આગાહી છે. તેમજ 22 ઓક્ટોબરથી 26 ઓક્ટોબર દરમિયાન બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાઈ શકે છે. નવેમ્બરમાં પણ બંગાળના ઉપસાગરમાં ભારે ચક્રવાત સર્જાશે.