હાલ વહેલી સવારે અને રાત્રે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. જ્યારે બપોરે ગરમી અનુભવાય છે. ત્યારે ઉત્તર પૂર્વના પવનો ફૂંકાવવાના કારણે વારંવાર તાપમાનમાં વધઘટ થઈ રહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નહીં આવવાના કારણે તાપમાન પણ ઊંચું રહ્યું છે. જેના કારણે બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે નિષ્ણાંતોનું માનવું છે કે, ડિસેમ્બરના પહેલા સપ્તાહમાં પણ શીત લહેરની કોઈ સંભાવના નથી.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે, હાલ તો દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડીમાં ફેંગલ વાવાઝોડું સક્રિય છે. જેની અસર ઉત્તર તામિલનાડુથી પુડુચેરી સુધી થશે અને ભારે વરસાદ થશે. તો બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રમાં સિસ્ટમને કારણે 4થી 8 ડિસેમ્બર આસપાસ દક્ષિણ મહારાષ્ટ્રમાં વરસાદની શક્યતા રહેશે. ખાસ કરીને, દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પણ પલટો આવશે.
અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે, ડિસેમ્બરના પહેલા સપ્તાહમાં રાજ્યમાં કોઈ શીત લહેરની સંભાવના નથી. તેમ છતાં ઉત્તર ગુજરાતના ભાગોમાં 12 ડિગ્રી જેટલું લઘુતમ તાપમાન રહેવાની શક્યતા રહેશે. 8થી 10 ડિસેમ્બર વચ્ચે લઘુતમ તાપમાન 15થી 16 ડિગ્રી વચ્ચે રહેવાની શક્યતા છે.
4 ડિસેમ્બરથી વાદળછાયું વાતાવરણ રહેશે. જેના કારણે તાપમાન વધવાની શક્યતા રહેશે. 4થી 8 ડિસેમ્બરે અરબી સમુદ્રમાં ડિપ્રેશન બનવાની શક્યતા છે. જેના કારણે વાતાવરણમાં પલટો આવી શકે છે.