ગુજરાતમાં હાલ લગભગ બે દિવસના વિરામ બાદ મેઘરાજાએ ફરી ધબધબાટી બોલાવી છે. અત્યાર સુધીમાં રાજ્યમાં સરેરાશ 70.35 વરસાદ નોંધાયો છે, જ્યારે કચ્છમાં 87.3 ટકા વરસાદ નોંધાયો છે. ઉત્તર ગુજરાતની વાત કરીએ તો 52.67 ટકા અને પૂર્વ મધ્ય ગુજરાતમાં 53.90 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે સૌરાષ્ટ્રમાં 78.73 ટકા તો દક્ષિણ ગુજરાતમાં 83.96 વરસાદ નોંઘાયો છે. ઓગસ્ટની શરૂઆતથી જ ક્યાંક મધ્યમ તો ક્યાંક સામાન્ય વરસાદ વરસી રહ્યો છે.
ત્યારે આ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે, લા નીનાની સંતાકુકડીમાં હવામાન તજજ્ઞોના અહેવાલો એક સરખા રહેવામાં અસફળ રહ્યા છે. લા નીનાની સ્થિતિ સપ્ટેમ્બરના અંતમાં કે ઓક્ટોબરમાં થઇ શકે, તો આ સમયગાળામાં ચોમાસું વિદાઈ લેતું હોય છે એટલે ભારતમાં પવનો ઉલટાય જતા હોય છે. આ વખતે તેજ પવનો દક્ષિણ પશ્ચિમ રહી શકે નહીં.
ઓક્ટોબરમાં જો લા નીનાની બને તો તેની ભારતના મોસમ પર જે અસર બનશે તે તો ત્યારે જ ખબર પડશે. જો કે, સપ્ટેમ્બરમાં બંગાળના ઉપસાગરમાં હવાના હળવા દબાણ ઉભા થાય અને ચક્રવાતનું પ્રમાણ વધી શકે છે. ઓક્ટોબર અને નવેમ્બરમાં ચક્રવાતનું પ્રમાણ વધી શકે. શિયાળામાં વધુ માવઠા થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત અંબાલાલે જણાવ્યુ કે સપ્ટેમ્બર મહિનામાં વધુ વરસાદ રહી શકે છે.
સપ્ટેમ્બરની શરુઆતમાં વરસાદ થશે અને 23 સપ્ટેમ્બર પછી ભારે વરસાદની શક્યતા રહેશે. નવરાત્રી દરમિયાન અંબાલાલે ગુજરાતના અલગ-અલગ વિસ્તારમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. 10 ઓક્ટોબરથી ચિત્રા નક્ષત્ર બેસે છે અને ચિત્રા નક્ષત્રમાં ભારે વરસાદ થતો હોય છે. આ વખતે પણ ચિત્રા નક્ષત્રમાં વરસાદ થવાની શક્યતા અંબાલાલે વ્યક્ત કરી છે.