હાલ ઓફશોર ટ્રફ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સસુન ટ્રફના કારણે દક્ષિણ ગુજરાત પર વરસાદી માહોલ છવાયો છે. ચીન, થાઈલેન્ડ, વિયેતનામ પર ત્રાટકેલા યાગી વાવાઝોડાની અસર છેક ગુજરાત સુધી જોવા મળી રહી છે. ગુજરાતના ઉત્તર પૂર્વી જિલ્લાઓમાં આગામી 5 દિવસ વરસાદ રહેશે. આજથી ઉત્તરા નક્ષત્રની શરૂઆત થઈ રહી છે, એટલે આજથી વરસાદી માહોલ બરાબરનો જામશે. યાગી વાવાઝોડાએ અનેક દેશમાં કહેર વર્તાવ્યો છે.
ચીન, થાઈલેન્ડ, વિયેતનામમાં સ્થિતિ ખરાબ બની છે. થાઈલેન્ડમાં તો યાગી વાવાઝોડાએ 33 લોકોનો ભોગ લીધો, જ્યારે અનેક શહેરોમાં કમર સુધીના પાણી ભરાયા છે. તો વિયેતનામમાં મૃત્યુઆંક 200 સામે આવ્યો છે. યાગી વાવાઝોડાના કારણે જે વરસાદ આવ્યો તેણે પૂર બાદ તારાજી સર્જી છે. પૂરના કારણે અનેક વિસ્તારોમાં જળમગ્ન થયા છે.આ વાવાઝોડાની અસર છેક ગુજરાત સુધી જોવા મળી રહી છે.
ગત રોજ દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદ વરસ્યો, 24 કલાકમાં 80 તાલુકામાં વરસાદ નોંધાયો છે. આ વચ્ચે અંબાલાલ પટેલે સપ્ટેમ્બર મહિનામાં વરસાદના નવા રાઉન્ડની આગાહી કરી છે. અંબાલાલે જણાવ્યુ કે, 10 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદના યોગ સર્જાયા છે. 9 અને 10 સપ્ટેમ્બરે દક્ષિણ ચીનમાં પ્રચંડ વાવાઝોડું બનતા તેની અસર બંગાળના ઉપસગારમાં આવશે જેનાથી ડીપ ડિપ્રેશન બનશે.
જે 12-13 સપ્ટેમ્બર સુધી મજબૂત બનતા પૂર્વ ગુજરાતમાં અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ આવવાની શક્યતા છે. 12-13 સપ્ટેમ્બરથી ગુજરાતના હવામાનમાં પલટો આવતા ભારે વરસાદની શક્યતા અંબાલાલે વ્યક્ત કરી છે. 15થી17 સપ્ટેમ્બરમાં પશ્ચિમી વિક્ષેભ આવશે જેની ગુજરાત પર મોટી અસર થશે. 22થી25 માં ભારે વરસાદી ઝાપટા જ્યારે 27 સપ્ટેમ્બરથી ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે.