હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઇને આગાહી કરી કે આજથી રાજ્યના વિવિધ ભાગોમાં હળવાથી ભારે વરસાદ પડવાની શક્યતા છે. બનાસકાંઠા, મહેસાણા અને કચ્છના ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે જો કે, હવે વરસાદની ગતિમાં ઘટાડો થશે. આ ઉપરાંત અંબાલાલે કહ્યું કે વરસાદી સિસ્ટમ રાજસ્થાનના ભાગોમાં ફંટાતા વરસાદની ગતિ ઘટશે. 12થી22 સપ્ટેમ્બર વચ્ચે રાજ્યમાં વરસાદની આગાહી અંબાલાલે કરી છે.
મધ્ય ગુજરાતના કેટલાક ભાગમાં ઝાપટા તેમજ ઉત્તર સૌરાષ્ટ્ર અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં મધ્યમ વરસાદની શક્યતા છે. અંબાલાલે કહ્યું કે બંગાળના ઉપસાગરમાં 7થી 8 સપ્ટેમ્બરના રોજ સિસ્ટમ બનતા 10 સપ્ટેમ્બરે ડીપ ડિપ્રેશન સર્જાશે. આ સિસ્ટમથી મધ્યપ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે.પંચમહાલ, સાબરકાંઠા અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. ડીપ ડિપ્રેશનથી દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ વરસશે.
સિસ્ટમ ફંટાવાને કારણે એકથી ચાર ઈંચ સુધીનો વરસાદ વરસશે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં હળવાથી મધ્યમ ઝાપટા પડી શકે છે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં હળવા વરસાદની આગાહી અંબાલાલે કરી છે. ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગો સહિત દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની સંભાવના છે.