મેઘરાજાની ધમાકેદાર બેટિંગ બાદ અંબાલાલ પટેલે કરી ગુજરાતમાં આ જગ્યાએ પૂર આવવાની આગાહી- જાણો વિગત

અંબાલાલ પટેલ કે જેઓ હવામાનના નિષ્ણાંત છે તેમણે ગુજરાતમાં વરસાદ કપરો સમય લાવે તેવી આગાહી કરી છે. હાલ તો મેઘરાજાની રાજયમાં ધમાકેદાર બેટિંગ ચાલી રહી છે. કેટલાક દિવસથી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી પણ કરી છે. શનિવારે સવાર સુધીમાં એટલે કે ત્યારથી છેલ્લા 24 કલાક દરમિયાન 215 જેટલા તાલુકામાં વરસાદ નોંધાયો છે.

28થી વધુ તાલુકામાં તો ચાર ઇંચ કરતા પણ વધારે વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત 59 તાલુકામાં 2 ઇંચ કરતા વધારે વરસાદ વરસ્યો છે. જો કે, એક ઇંચ કરતા વધુ વરસાદ 106 તાલુકામાં વરસ્યો છે. અંબાલાલ પટેલ અનુસાર, 10 થી 15 જુલાઈ સુધી સમગ્ર રાજ્યમાં આગામી ભારે વરસાદની સંભાવના છે. અરબ સાગર અને બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતાં સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ સતત છવાયેલો રહેશે.

આ ઉપરાંત તેમણે એ પણ જણાવ્યુ છે કે, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતી ઉભી થઈ શકે છે.શનિવારના રોજ વહેલી સવારથી વલસાડના તિથલમાં દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો હતો અને ઊંચા મોજા પણ ઉછળ્યા હતા. છેલ્લા ત્રણેક દિવસથી રાજકોટમાં વરસી રહેલા ભારે વરસાદના પગેલ આજી, ન્યારી અને ભાદરમાં નવ નીરની આવક થઈ છે.

હવામાન વિભાગની વાત કરીએ તો, હવામાન વિભાગે શુક્રવારના રોજ આગાહી આપતા જણાવ્યુ હતુ કે, સૌરાષ્ટ્ર-કચ્છમાં, જામનગર, જૂનાગઢ અને દેવભૂમિ દ્વારકામાં અત્યંત ભારે વરસાદ પડવાની સંભાવના છે. 9 અને 10 તારીખના રોજ પણ વરસાદ રહેશે. આ ઉપરાંત 11 જુલાઇ અને 12 જુલાઈના રોજ અતિ ભારે વરસાદ પડવાની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. તેમજ સૌરાષ્ટ્ર કચ્છમાં 12મી તારીખે અત્યંત ભારે વરસાદ પડવાની આગાહી છે.

Shah Jina