વરસાદ બગાડી શકે છે ખેલૈયાઓની મજા, હવામાન નિષ્ણાંત અંબાલાલની નવી આગાહી સાંભળી તમે પણ થઇ જશો ઉદાસ

રાજ્યમાં હાલ તો વરસાદે વિરામ લીધો છે. નવરાત્રિના દિવસો નજીક આવી રહ્યા છે અને આ વચ્ચે હવે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા નવરાત્રિમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં હવામાન વિભાગે બંગાળની ખાડીમાં લો પ્રેશરની અસર થતાં 4 દિવસ સુધી સામાન્ય વરસાદની આગાહી કરી, ત્યારે હવામાન નિષ્ણાત દ્વારા પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. અંબાલાલની આગાહી મુજબ ગુજરાતમાં નવરાત્રીમાં વરસાદ પડવાની પૂરેપૂરી સંભાવના છે.

તેમાં પણ ખાસ કરીને ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હળવા વરસાદી ઝાપટાની શક્યતા છે. 26 સપ્ટેમ્બરથી નવરાત્રિ ચાલુ થઇ રહી છે અને ત્યારે જ વાતાવરણમાં પલટો આવશે. જે બાદ 27 સપ્ટેમ્બરે કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. ઉત્તર, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 28 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી છૂટો છવાયો વરસાદ વરસી શકે છે. અંબાલાલ અનુસાર, 5 ઓક્ટોબર સુધી દરિયામાં ભારે પવન ફૂંકાશે અને 10 ઓક્ટોબર બાદ બંગાળ ઉપસાગરમાં હવાનું હળવું દબાણ સર્જાશે.

જો કે, તેમણે કહ્યુ છે કે, ચોમાસાના વિદાયની શરૂઆત થઇ ગઇ છે. 23 થી 25 સપ્ટેમ્બરમાં રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે. ચોમાસાના અંતિમ દિવસોમાં ઉત્તર ભારતના કેટલાક વિસ્તારમાં અતિભારે વરસાદની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે મેઘરાજા નવરાત્રી બગાડશે કે કેમ ? તેને લઈને ખેલૈયાઓ અને ગરબા રસિકોને સવાલો થઈ રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા 25થી28 ઓગસ્ટ દરમિયાન

અમદાવાદ સહિત સાબરકાંઠા, આણંદ, બનાસકાંઠા, પાટણ, પોરબંદર, જૂનાગઢ, મહેસાણા, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, વલસાડ, ડાંગ, દમણ, દાદરા નગર હવેલી તેમજ નર્મદા, તાપી, છોટા ઉદેપુરમાં હળવો વરસાદ રહેવાની આગાહી કરી છે. આ ઉપરાંત આવતીકાલના રોજ એટલે કે 24 સપ્ટેમ્બરના રોજ દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે.

Shah Jina