રાજ્યમાં હાલ વરસાદી માહોલ જામેલો છે, ત્યારે વરસાદને લઇને અંબાલાલ પટેલ અને હવામાન વિભાગ દ્વારા આગાહી પણ કરવામાં આવે છે, ત્યારે રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 85%થી વધુ વરસાદ નોંધાયો છે અને હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસ સામાન્ય વરસાદની આગાહી કરાઇ છે ત્યારે સતત વરસાદના કારણે ઘણા પાકને નુકસાન પણ થયુ છે. જો કે, હાલ વરસાદ વિરામ લે તેની ખેડુતો રાહ જોઈ રહ્યા છે પણ ઓગસ્ટ મહિનામાં કેવું વાતાવરણ રહેશે તેની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.
અંબાલાલે ઓગસ્ટ મહિનાના કેટલાક દિવસ વરસાદ થશે અને કઈ કઈ તારીખમાં વરસાદ થશે તેનુ અનુમાન જાહેર કર્યુ છે. ન્યુઝ 18 ગુજરાતી સાથે વાત કરતા અંબાલાલે જણાવ્યું કે, ઓગસ્ટ મહિનામાં પણ બંગાળના ઉપસાગરમાં એક પછી એક સિસ્ટમ સક્રિય થશે અને ભારે પવન પણ ફૂંકાશે. જેને પગલે ગુજરાતમાં વરસાદ થશે અને ત્રણથી ચાર ઓગસ્ટમાં ભારે પવન ફૂંકાશે. આ ઉપરાંત દેશના કેટલાક ભાગોમાં વરસાદ થવાની પણ તેમને આગાહી કરી છે. બિહાર, પશ્ચિમ બંગાળ આસામમાં તેમજ ગુજરાતમાં પણ વરસાદ પડવાની શક્યતા રહેશે.
ઓગસ્ટમાં ધીમે ધીમે વરસાદનું જોર વધશે અને આઠ ઓગસ્ટમાં પણ વરસાદનું જોર વધશે અને ગુજરાતના ભાગોમાં વરસાદ પડશે. 8 ઓગસ્ટ સુધીમાં મધ્ય ગુજરાતના પંચમહાલ, દાહોદ, ગોધરા, તેમજ ઉતર ગુજરાતના બનાસકાંઠા, મહેસાણાના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેવાની અંબાલાલે આગાહી કરી છે. સાબરમતી, નર્મદા અને તાપી નદીના જળસ્તરમાં વધારો થવાની અને ઓગસ્ટ મહિનમાં ગુજરાતના અલગ અલગ ભાગોમાં વરસાદ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. આ ઉપરાંત 12 અને 13 ઓગસ્ટના રોજ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.
16 અને 17 તારીખમાં પણ વરસાદની શક્યતા રહેશે. 17 ઓગસ્ટ પછીનું મઘા નક્ષત્રમાં વરસાદ થાય તો પાણી કૃષિ પાક માટે સારું ગણાય છે. તે સ્ટોર કરવા માટે પણ સારું ગણાય છે. 23 ઓગસ્ટ પછી પણ વરસાદ થશે અને વરસાદનું જોર ઘટશે, ઝાંપટા પડી શકે છે. 27થી 30 ઓગસ્ટમાં વરસાદ થવાની શક્યતાઓ રહેશે. 30 અને 31 તારીખે રાજ્યના કોઈ ભાગમાં વધુ વરસાદ પડવાની શક્યતા રહેશે. અત્યારથી 8 ઓગષ્ટ સુધીમાં કોઈ કોઈ ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. હવે 8 ઓગષ્ટ સુધી ધીમે ધીમે વરસાદનુ જોર વધશે.