અંબાલાલ પટેલની ખેડૂતોને ચેતવણી, આવનારા વરસાદ અંગે કરી મોટી આગાહી, જાણો શું કહ્યું

છેલ્લા કેટલાય સમયથી વિરામ લીધેલા વરસાદે હવે ધમાકેદાર શરૂઆત કરી દીધી છે. છેલ્લા બે દિવસમાં ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર સારો એવો વરસાદ પણ વરસી ચુક્યો છે. ત્યારે હવે હવામાન વિશેષજ્ઞ અંબાલાલ પટેલે પણ આ અંગે આગાહી કરીને ખેડૂતોને ચેતવ્યા છે.

સૌરાષ્ટ્રના દરિયાકાંઠે સર્જાયેલા લોપ્રેશર અને સાઈક્લોનિક સર્ક્યુલેશનને સિસ્ટમને પગલે હવે ફરી એકવાર રાજ્યમાં ચોમાસું સક્રિય થઈ ગયું છે. ત્યારે હવામાન વિભાગ મુજબ, દક્ષિણ ગુજરાત 3 દિવસ અને સૌરાષ્ટ્રમાં આજે અને આવતીકાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી જાહેર કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદ સહિત સૌરાષ્ટ્રના ગીર-સોમનાથ, પોરબંદર, જૂનાગઢ સહિત આસપાસના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જ્યારે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, નર્મદા અને દમણ તેમજ સૌરાષ્ટ્રના જામનગર, રાજકોટ, અમરેલી, દ્વારકા સહિત અન્ય વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે.

ત્રીજા દિવસ બાદ વરસાદમાં ઘટાડો નોંધાશે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ખેડૂતો અને માછીમારોને સાવધ રહેવા જણાવ્યું છે. અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરતા જણાવ્યું છે કે, “20 જુલાઇ બાદ ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. હવે વરસાદનો વધુ એક રાઉન્ડ આવી રહ્યો છે. કેટલાક ભાગોમાં અતિભારે વરસાદની આગાહી છે. ખાસ કરીને દરિયાકિનારાનાં ભાગોમાં અતિભારે વરસાદની શક્યતાઓ છે.”

Niraj Patel