...
   

છત્રી હજુ સાચવી રાખજો! અંબાલાલ પટેલની ગુજરાતમાં મજબૂત વરસાદની ફરીથી આગાહી, જાણો

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એકવાર ગુજરાતમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરી છે. અત્યારે નહીવત વરસાદની સ્થિતિ વચ્ચે અંબાલાલનું આ પૂર્વાનુમાન ધ્યાન ખેંચનારું બન્યું છે. અંબાલાલ અનુસાર, આગામી 23 ઓગસ્ટથી રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. આ ઉપરાંત, 23થી 26 ઓગસ્ટ સુધી ગુજરાતમાં સારો વરસાદ થશે તેવી પણ તેમણે આગાહી કરી છે.


અંબાલાલે જણાવ્યું- આગામી થોડા દિવસોમાં બિહાર અને પશ્ચિમ બંગાળમાં લો પ્રેશર સિસ્ટમ બનશે, જેની અસર ગુજરાત પર જોવા મળશે. 23 ઓગસ્ટે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થશે, જ્યારે 23થી 26 ઓગસ્ટ સુધી સારો વરસાદ થવાની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં તો ભારેથી અતિ ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. 26 ઓગસ્ટ બાદ એક બીજી વરસાદી સિસ્ટમ બનવાની શક્યતા છે. સપ્ટેમ્બરની શરૂઆતમાં પણ સારો વરસાદ થશે એવી સંભાવના વ્યક્ત કરાઇ છે.


હવામાન વિભાગની પણ રાજ્યમાં ભારે વરસાદની આગાહી 
હવામાન વિભાગના વૈજ્ઞાનિકના અનુસાર, દક્ષિણ ગુજરાતમાં 20-21 તારીખે વરસાદની શક્યતા છે તેમજ દમણ, તાપી, ડાંગ સહિતના વિસ્તારોમાં પણ વરસાદનું અનુમાન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં પણ છૂટાછવાયા વરસાદની સંભાવના વ્યક્ત કરાઇ છે. જો કે, હાલ તો ગુજરાતમાં વરસાદની કોઈ સિસ્ટમ સક્રિય નથી જેને કારણે વરસાદ નહીવત રહી શકે છે. સૌરાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં ખૂબ ઓછો વરસાદ નોંધાયો છે, જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હળવો વરસાદ થવાની શક્યતા છે.


શું સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં પણ પડશે વરસાદ ?

હવામાન વિભાગે 18થી21 ઓગસ્ટ વચ્ચે દક્ષિણ ગુજરાતથી લઈને ઉત્તર ગુજરાત સુધી વરસાદનું અનુમાન કર્યું છે. 21 ઓગસ્ટથી રાજ્યમાં ફરી વરસાદ થશે. જો કે, સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં  હવામાન વિભાગ દ્વારા વરસાદનું કોઈ પૂર્વાનુમાન કરવામાં આવ્યું નથી. 20 ઓગસ્ટે દીવ, દમણ અને દાદરા નગર હવેલી સહિત રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદ જ્યારે 23 ઓગસ્ટે કચ્છ, સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરાઇ છે. ઉત્તર ગુજરાતના પણ કેટલાક જિલ્લાઓમાં વરસાદનું અનુમાન કરવામાં આવ્યું છે.

Swt