ઉત્તર ગુજરાતમાં અરવલ્લીના પહાડો વચ્ચે આવેલી અંબાજી 51 શક્તિપીઠોમાંનું એક પ્રખ્યાત યાત્રાધામ ગણાય છે. અહીંની ખાસ વાત એ છે કે અંબાજી મંદિરમાં કોઈ મૂર્તિની પૂજા નથી થતી. પરંતુ વીસા યંત્રની પૂજા થાય છે. એક માન્યતા અનુસાર, આ વીસા યંત્ર ઉજ્જૈન અને નેપાળના શક્તિપીઠોના મૂળ યંત્ર સાથે સંકળાયેલું છે અને આ યંત્રમાં એકાવન અક્ષર હોવાનું પ્રમાણ પણ છે. આ યંત્ર શુદ્ધ સોનાથી બનેલું છે.

ભારતના શક્તિપીઠોમાંનું અંબાજી એકમાત્ર એવું શક્તિપીઠ છે, જ્યાં શક્તિપીઠના પરિસરમાં જ વીસાયંત્રનો અભિષેક થતો હોય. યંત્રની બિલકુલ નજીકથી ગંગાજળથી અભિષેક સાથે શ્લોકાત્મક પૂજા કરવાની વિશેષ વ્યવસ્થા છે. અહીં દર્શને આવતા મોટેભાગના દર્શનાર્થીઓને એ વાતની ખબર નહીં હોય કે જ્યા મૂળ સ્થાનકમાં માતાજીની મૂર્તિ જ નથી.
અહીં રોજ સવાર-સાંજની આરતી વચ્ચે એક મિનિટનો વિરામ લેવામાં આવે છે. આ વિરામ દરમ્યાન પૂજારી પોતાની આંખે પાટા બાંધીને માતાજીની વિશેષ પૂજા કરે છે. વર્ષોથી આ જ પરંપરા ચાલતી આવે છે. અંબે માના આ વીસા યંત્રને આંખથી જોવાનો નિષેધ હોવાથી પૂજારી પણ આંખે પાટા બાંધીને પૂજા કરે છે.

અહીં સવારે અને સાંજે થતી આરતીની શરૂઆત જય આદ્યશક્તિ… મા, જય આદ્યશક્તિ…થી થાય અને આરતીમાં તેરશે તુળજારૂપ તમે તારૂણી માતા… પંક્તિ પુરી થાય એ પછી એક મિનિટનો વિરામ લેવામાં આવે છે, જેમાં પૂજારી માતાજીની વિશેષ પૂજા કરે છે અને પછી આગળની પંક્તિ ચૌદશે ચૌદારૂપ ચંડી ચામુંડા…થી આરતી ફરીથી શરુ થઇ જાય છે.

અહીં મંદિરના ગોખમાં એવી રીતે વસ્ત્રો અને આભૂષણોનો શણગાર કરવામાં આવે છે કે દર્શનાર્થીને સવારે, બપોરે કે સાંજે એવું જ લાગે કે માતાજી વાઘ પર બેઠા છે. દર મહિનાની આઠમે અહીં યંત્રની પૂજા થાય છે. ઉપરાંત પૂનમે મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શને આવે છે અને મંદિરના શિખર ઉપર ધજા ચઢાવે છે. ધાર્મિક રીતે અંબાજી ભારતની શક્તિપીઠમાં મહત્વનું સ્થાન ધરાવે છે.

આ યાત્રાધામમાં ભક્તો આરતીનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં આવે છે અને પોતાનું સદ્ભાગ્ય માનતા હોય છે. અહીં નવરાત્રીમાં મંદિરની સામે આવેલા ચાચર ચોકમાં ગરબા રમવા માટે પણ દેશભરમાંથી મોટી સંખ્યામાં ભક્તો આવે છે. અહીં નજીકમાં જ આવેલા ગબ્બરના પરિક્રમા માર્ગ પર 51 શક્તિપીઠોની સ્થાપના કરવામાં આવે છે અને અંબાજી મંદિરનું 48 ફૂટનું શિખર 108 કિલો સોનાથી મઢેલું છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks