કૌશલ બારડ ખબર લેખકની કલમે

અંબાજી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દુર્ભાગીઓમા પરીવારોની રોવડાવી દે તેવી કરૂણાંતિકા; રાંધ્યા ધાન વણખાધાં રહ્યાં!

અંબાજીનાં દર્શન કરીને પરત ફરી રહેલા યાત્રાળુઓની બસ સોમવારે બપોરના ચાર વાગ્યાની આસપાસ અંબાજી-દાંત રોડ પર ત્રિશુલિયા ઘાટ નજીક તીવ્ર વળાંક લેવા જતા પલટી મારી ગઈ એ કરૂણાંતિકામાં કુલ મૃતક-આંક ૨૨ સુધી પહોઁચ્યો છે, જ્યારે ઘાયલોની સંખ્યા એથી વધારે છે.

યાત્રાળુઓ આણંદ જીલ્લાના આંકલાવ અને બોરસદ તાલુકાનાં ગામોના હતા. આ કરૂણાંતિકાથી આ પંથકનાં ગામોમાં શોકનું મોજું કરી વળ્યું છે. અનેક ઘરોમાં રાંધણ રેઢા મૂકાયા છે. દાંતાની હોસ્ટિપલમાં પોસ્ટમોર્ટમ કરીને સવારથી મૃતદેહોને એમ્બ્યુલન્સ મારફત સ્વજનોના ઘરે મોકલવામાં આવ્યા એ પછી નકરું આક્રંદ જ જોવા મળ્યું હતું.

એક જ ગામના છ જણનું અવસાન —

આ અકસ્માતે આંકલાવ તાલુકાનાં ખરોલ(હ) ગામને તો સાવ ભાંગી જ નાખ્યું. ખરોલ ગામના કુલ ૬ જણ આ અકસ્માતમાં મૃત્યુ પામ્યા છે. ગામનાં રાંધ્યા ધાન રઝળ્યાં. આખું ખરોલ હિબકે ચડીને આ ઘેરો વિષાદ ખમી રહ્યું છે.

બાપ-દીકરાના મૃતદેહો જોઈ મા-દીકરીનું આક્રંદ —

બોરસદ તાલુકાના પામોલ ગામે રહેતા ૪૦ વર્ષીય રમેશભાઈ ઠાકોર ખેત મજૂરી કરીને ગુજરાન ચલાવતા. દરવર્ષની જેમ આ વર્ષે પણ તેઓ અંબાજી ગયા હતા. બસનું આયોજન કરનાર ભાઈ સાથે તેમને મૈત્રી હતી. આ વખતે પુત્ર કાર્તિક પણ સાથે હતો. દુર્ઘટનામાં બંનેનું અવસાન થયું છે. ઘરે તેમના મૃતદેહો લાવતા રમેશભાઈના પત્ની અને પુત્રીએ કરૂણ રૂદન કર્યું હતું. મા-દીકરી માટે આ ઘટનાનો આઘાત કેટલો હશે એની કલ્પના પણ કરવી મુશ્કેલ છે.

પરીવાર હોસ્પિટલમાં, જાહન્વીનો મૃતદેહ ઘરે પહોઁચ્યો —

સુરેશભાઈ ગોહેલ (દાવોલ) પોતાના પરીવાર સાથે અંબાજીનાં દર્શને ગયા હતા. અકસ્માતમાં તેમણે એક ફૂલ ગુમાવી દીધું. સુરેળભાઈની નાનકડી જાહન્વી – જે ત્રીજાં ધોરણમાં ભણતી – મૃત્યુ પામી છે. પરીવારના સભ્યોને ઈજા પહોંચતા તેમને અમદાવાદ અને પાલનપુર ખાતે હોસ્પિટલમાં રાખવામાં આવ્યા ત્યારે જાહન્વીનો મૃતદેહ ઘરે પહોઁચ્યો હતો.

પરીવારનો મોભી ચાલ્યો ગયો —

અકસ્માતને પગલે આણંદ જીલ્લાના બોરસદ તાલુકાના કસુંબાડ ગામમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું હતું. સુરેશભાઈ ચૌહાણનો મૃતદેહ કસુંબાડ પહોંચ્યો ત્યારે તેનો પરીવાર રીતસર ભાંગી પડ્યો હતો. સુરેશભાઈ પોતાની પાછળ માતા-પિતા, પત્ની, બે પુત્રો અને નાના ભાઈને નોધારો મૂકી ગયા છે. આ કરૂણાંતિકામાં આ પરીવારને આશ્વાસન પણ કેટલુંક અસર કરે?!

૧૯ વર્ષના કિશનના લગ્નને ત્રણ જ માસ થયા હતા —

દાવોલ ગામનો યુવક કિશન સોમાભાઈ ગોહેલનો પુત્ર હતો. છેલ્લા ત્રણ વર્ષથી અંબાજીની યાત્રાએ જતો. પાંચ વર્ષ સુધી જવાનો હતો. ભણવામાં હોશિયાર હતો પણ મજબૂરીને લીધે દસ ધોરણ ભણીને શાકભાજીની દુકાન ચલાવતો હતો. હજુ ત્રણ મહિના પહેલા તેમના લગ્ન થયા હતા. અકસ્માતમાં તેમનું મોત થતા નવોઢા પત્ની, માતા-પિતા, એક નાનો ભાઈ અને બે બહેનોને કકળાટ કરતી મૂકીને ચાલ્યો ગયો.

‘બગાડજે મા તું કોઈની બાજી અધવચ્ચે કિરતાર!’

પ્રભુ આ કરૂણાંતિકામાં ભોગ બનેલ મૃતકોના આત્માને શાંતિ અર્પે, એમના નોધારા પરિવારોના આક્રંદ સામે જુએ અને ઘાયલોને વહેલી તકે બેઠા કરે એ જ અભ્યર્થના!

Author: Kaushal Barad GujjuRocks Team

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.