12 વર્ષમાં ત્રણવાર વાદળ ફાટવાની ઘટનાઓ પરંતુ પહેલીવાર જોવા મળ્યો આવો દર્દનાક નજારો, તસવીરોમાં જુઓ અમરનાથમાં મચેલી તબાહીના દ્રશ્યો

અમરનાથ યાત્રામાં વાદળ ફાટવાને કારણે અત્યાર સુધી 16ના મોત, 40થી વધારે લાપતા, પૂરમાં વહી ગયા ભક્તોના લંગર અને તંબુઓ.

હળવા વરસાદ વચ્ચે ટેન્ટ સિટીમાં પ્રવાસીઓનો મેળાવડો જોવા મળ્યો હતો. પાંચ હજાર જેટલા ભક્તો પૈકી કેટલાક દર્શનાર્થે આવતા હતા અને કેટલાક દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. બમ-બમ ભોલેના નાદ વચ્ચે વાદળોની જોરદાર ગર્જના હતી, પરંતુ પવિત્ર ગુફાથી થોડે દૂર વાદળ ફાટવાના કારણે ટેન્ટ સિટી ડૂબી જવાની છે તેની કોઈને ખબર નહોતી. ભક્તો ગુફાની સામે જ સપાટ વિસ્તારમાં બનેલા ટેન્ટ સિટીમાં જવાની અને પાછા ફરવાની તૈયારી કરી રહ્યા હતા. એટલામાં પાણીનો અવાજ આવવા લાગ્યો. પવિત્ર ગુફાની ડાબી બાજુએ ઉપરથી નીચે સુધી પાણીનો વિશાળ પ્રવાહ આવ્યો.

ગુફાની સામે વહેતા નાળામાં બીજી ઘણી જગ્યાએથી પાણી મજબૂત પ્રવાહમાં આવવા લાગ્યું. શુક્રવારના રોજ અમરનાથ ગુફા પાસે તબાહીનું મંજર જોવા મળ્યુ. સાંજે લગભગ સાડા પાંચ વાગ્યા આસપાસ વાદળ ફાટવાની ઘટના બની હતી. અત્યાર સુધી 16 લોકોની મોત થઇ હોવાના અહેવાલ સામે આવ્યા છે, ત્યાં હજી પણ 40-50થી વધારે લોકો ગુમ થયાના અહેવાલ છે.ભારતીય સેના, NDRF, ITBP, જમ્મુ અને કાશ્મીર પોલીસની ટીમો મોડી રાતથી બચાવ કામગીરીમાં લાગેલી છે.

ITBP દ્વારા કહેવામાં આવ્યું છે કે સાંજે ભારે વરસાદ શરૂ થયા બાદ અમે શ્રદ્ધાળુઓને તેમના તંબુઓ છોડીને અન્ય સ્થળોએ જવાની અપીલ કરી હતી. પરંતુ વાદળ ફાટતાની સાથે જ ત્યાં હાજર ભક્તોમાં અફરાતફરી ફેલાઇ ગઇ હતી. ક્લાઉડબર્સ્ટના જે વીડિયો સામે આવ્યા છે તે ખૂબ જ ડરામણા છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે અમરનાથ ગુફા પાસે પાણીનો ખૂબ જ જોરદાર પ્રવાહ ફાટ્યો છે. પવિત્ર ગુફાની બાજુમાંથી અચાનક જ ધસારો થયો હતો. આ જોઈને ત્યાં હાજર ભક્તો પણ ડરી ગયા હતા.

જો કે આ કાટમાળ ઉપરના ભાગમાં આવેલા ટેન્ટની નજીક આવ્યો ન હતો, પરંતુ બાદમાં આ કાટમાળ નીચે આવી ગયો હતો અને તેમાં ઘણા ટેન્ટ ધોવાઈ ગયા હતા. આઈટીબીપીના પીઆરઓએ એમ પણ જણાવ્યું હતું કે પાણીના જોરદાર પ્રવાહને કારણે વચ્ચેના લગભગ 30-40 ટેન્ટ ધોવાઈ ગયા હતા. રાહતની વાત એ છે કે આ તંબુઓમાં ઓછા લોકો હતા કારણ કે ITBP દ્વારા લોકોને પહેલા જ ત્યાંથી ખસેડવામાં આવ્યા હતા. આ સાથે જ પાણીનો પ્રવાહ આવ્યા બાદ ITBPના જવાનોએ કેટલાક લોકોને ત્યાંથી હટાવ્યા હતા. પાણીનો પ્રવાહ કેટલો ઝડપી છે તે વીડિયોમાં જોઈ શકાય છે.

આ દરમિયાન ભક્તોમાં અરાજકતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, રેસ્ક્યુ ઓપરેશનની કમાન ભારતીય સેના દ્વારા લેવામાં આવી છે. NDRF, ITBP અને J&K પોલીસ સાથે રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ભારતીય સેના દ્વારા આ ઘટનાથી પ્રભાવિત લોકોને બચાવવા માટે છ ટીમો પણ બનાવવામાં આવી છે. આ સિવાય બચાવ માટે હેલિકોપ્ટર પણ લગાવવામાં આવ્યા છે. ALH હેલિકોપ્ટરની મદદથી બચાવ અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે. ત્રણેય બેસ હોસ્પિચલોમાં ઘાયલોની સારવાર ચાલી રહી છે. ઉપરી પવિત્ર ગુફા, નીચલી પવિત્ર ગુફા, પંજતરણી અને આસપાસથી સુવિધાઓ મળી રહી છે.

એકલા ગાંદરબલમાં જ 16 એમ્બ્યુલન્સ એલર્ટ મોડ પર છે. અહીં 28 ડોક્ટર, 98 પૈરામેડિક્સ, 16 એમ્બ્યુલનેસ્ અને એસડીઆરએફની ટીમો રાહત કાર્ય માટે તૈનાત છે. સ્વાસ્થ્ય વિભાગ પણ એલર્ટ મોડ પર છે. આ ઉપરાંત કર્મચારીઓની છુટ્ટી પણ રદ કરી દેવામાં આવી છે અને તેમને ડ્યુટી પર આવવા માટે કહેવામાં આવ્યુ છે. આ ઉપરાંત અધિકારીઓને એ નિર્દેશ પણ આપવામાં આવ્યા છે કે તે પોતાના ફોન સ્વિચ ઓન રાખે.ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઘટના પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે.

તેમણે શ્રી અમરનાથ શ્રાઈન બોર્ડના અધ્યક્ષ અને જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા પાસેથી ઘટનાની સંપૂર્ણ વિગતો લીધી. પીએમ નરેન્દ્ર મોદીની સાથે લોકસભા સ્પીકર ઓમ બિરલા, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા, પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ, કેન્દ્રીય મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહ અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી આદિત્ય ઠાકરે સહિત ઘણા લોકોએ શોક વ્યક્ત કર્યો છે.જણાવી દઇએ કે, છેલ્લા 12 વર્ષમાં અમરનાથ યાત્રા દરમિયાન ગુફાની નજીક ત્રણ વખત વાદળ ફાટવાની ઘટનાઓ બની છે, પરંતુ આટલી તબાહી ક્યારેય નથી થઈ.

વાદળ ફાટવાને કારણે આટલા લોકોએ જીવ ગુમાવ્યા હોય તેવો આ પ્રથમ પ્રસંગ છે અને હજુ પણ ઘણા લોકો ગુમ છે. મળતી માહિતી મુજબ વર્ષ 2010માં પણ ગુફા પાસે વાદળ ફાટ્યું હતું, પરંતુ તે પછી પણ કોઈ નુકસાન થયું ન હતું. વર્ષ 2021માં 28 જુલાઈના રોજ ગુફા પાસે વાદળ ફાટવાથી ત્રણ લોકો ફસાયા હતા, જેમને બચાવી લેવામાં આવ્યા હતા. આમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. આ વખતે વાદળ ફાટવાના કારણે મોટું નુકસાન થયું છે.વર્ષ 1989માં અમરનાથ યાત્રા દરમિયાન મોટી દુર્ઘટના સર્જાઇ હતી. અમરનાથ માર્ગ પર વર્ષ 1969ના જુલાઇ માસમાં પણ વાદળ ફાટ્યુ હતુ. આમાં લગભગ 100 શ્રદ્ધાળુઓની મોત થઇ ગઇ હતી.

મદદ માટેના સંપર્ક નંબરો :-
જોઇન્ટ પોલીસ કંટ્રોલ રૂમ પહેલગામ
9596779039
9797796217
01936243233
01936243018

પોલીસ કંટ્રોલ રૂમ અનંતનાગ
9596777669
9419051940
01932225870
0193222870

Shah Jina