અમેરિકામાં ભારતીય ક્લાસિકલ ડાંસરની ગોળી મારી કરાઇ હત્યા, સાંજે નીકળ્યો હતો વોક પર- ટીવી એક્ટ્રેસે માગી ભારત સરકાર પાસે મદદ

અમેરિકામાં ભારતીય ક્લાસિકલ ડાંસરની ગોળી મારી હત્યા, 3 દિવસ બાદ ટીવી એક્ટ્રેસે ભારત સરકાર પાસે માગી મદદ ત્યારે સામે આવ્યો મામલો

પશ્ચિમ બંગાળના ભરતનાટ્યમ અને કુચીપુડી ડાન્સર અમરનાથ ઘોષની અમેરિકાના મિસૌરી રાજ્યમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ટીવી એક્ટ્રેસ દેવોલિના ભટ્ટાચાર્જીએ શુક્રવારે ઘોષની હત્યા અંગે માહિતી આપી હતી. અમરનાથ 27 ફેબ્રુઆરીના રોજ સેન્ટ લુઈસ એકેડેમી પાસે સાંજે વોક માટે બહાર ગયો હતો ત્યારે હુમલાખોરો દ્વારા તેના પર ઘણી વખત ગોળી ચલાવવામાં આવી.

દેવોલિનાએ 1 માર્ચે સોશિયલ મીડિયા પર આ ઘટનાની જાણકારી આપી હતી. તેણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વિદેશ મંત્રી એસ જયશંકર અને અમેરિકામાં ભારતીય દૂતાવાસ પાસે આ મામલાની તપાસની માંગ કરી છે. ટ્વિટર પર માહિતી આપતા દેવોલિનાએ કહ્યું- ઘોષ પશ્ચિમ બંગાળના કોલકાતામાં રહેતા હતા. તે સેન્ટ લુઈસની વોશિંગ્ટન યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા ગયો હતો.

અહીં ફાઇન આર્ટ્સમાં માસ્ટર્સ કરી રહ્યો હતો. દેવોલિનાએ જણાવ્યું કે તેના પરિવારમાં અમરનાથ ઘોષ એકલા હતા. માતાનું ત્રણ વર્ષ પહેલા જયારે પિતાનું બાળપણમાં જ અવસાન થયું હતું. એક અજાણ્યા હુમલાખોર દ્વારા ઘોષ પર ગોળીબાર કરવામાં આવ્યો. દેવોલિનાની ટ્વીટ અનુસાર આરોપીઓ વિશે હજુ સુધી કંઈ બહાર આવ્યું નથી. કેટલાક મિત્રો સિવાય ઘોષનો કોઈ પરિવાર નથી.

મિત્રોએ ઘોષના મૃતદેહને ભારત પરત લાવવાની અપીલ કરી છે. પરંતુ, હજુ સુધી આ અંગે કોઈ અપડેટ પ્રાપ્ત થયું નથી. ભારતીય દૂતાવાસે કહ્યું- સેન્ટ લુઇસ, મિસૌરીમાં માર્યા ગયેલા અમરનાથ ઘોષના પરિવાર અને મિત્રો પ્રત્યે ઊંડી સંવેદના. અમે ફોરેન્સિક ટીમ અને પોલીસને તેમની તપાસમાં મદદ કરી રહ્યા છીએ.

Shah Jina