અલ્લુ અર્જુનના ઘર બહાર પ્રદર્શનકારીઓએ મચાવી ધમાલ, ઘર પર ફેંક્યા ટામેટા…8 લોકોની ધરપકડ

હૈદરાબાદના એક થિયેટરમાં 4 ડિસેમ્બરે ફિલ્મ ‘પુષ્પા 2: ધ રૂલ’ના સ્ક્રીનિંગ દરમિયાન નાસભાગ મચી ગઇ હતી અને આ દરમિયાન એક મહિલાનું મોત થયુ હતુ અને તેનો 8 વર્ષિય દીકરો ગંભીર રૂપે ઘાયલ થયો હતો. ત્યારથી લઈને હજુ સુધી વિવાદ નથી અટકી રહ્યો. એક્ટર અલ્લુ અર્જુન પોતાની નિર્દોષતાનો દાવો કરી રહ્યો છે, જ્યારે તેલંગાણા સરકાર અને પોલીસ તેને આ અકસ્માત માટે જવાબદાર ઠેરવી રહી છે. બીજી તરફ રવિવારે સાંજે ઉસ્માનિયા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ અભિનેતાના ઘરની બહાર પ્રદર્શન કર્યું હતું અને તોડફોડ પણ કરી હતી.

પોલીસે અહીં વિરોધ કરી રહેલા 8 પ્રદર્શનકારીઓની અટકાયત કરી છે, ઉસ્માનિયા યુનિવર્સિટી જોઈન્ટ એક્શન કમિટી (JAC)ના સભ્યોએ અલ્લુ અર્જુનના ઘરની બહાર પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન પ્રદર્શનકારીઓએ ઘરમાં તોડફોડ કરી અને અભિનેતાના ઘર પર ટામેટાં પણ ફેંક્યા. પ્રદર્શનકારીઓએ જેએસી પાસેથી માંગ કરી હતી કે અલ્લુ અર્જુને મહિલાના પરિવારને 1 કરોડ રૂપિયાની સહાયની રકમ આપવી જોઈએ અને પરિવારને તમામ શક્ય મદદ કરવી જોઈએ. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને જેએસીના નેતાઓને કસ્ટડીમાં લીધા હતા.

આ કેસમાં 8 લોકોની અટકાયત કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. પોલીસે તેમને કસ્ટડીમાં લઈ જ્યુબિલી હિલ સ્ટેશન લઈ ગયા છે. આ ઘટના સમયે અલ્લુ અર્જુન તેના ઘરે હાજર ન હતો. પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે સુરક્ષા વધારી દીધી છે અને પ્રદર્શનકારીઓને શાંત કરવાનો પ્રયાસ કર્યો છે. આ પ્રદર્શનનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં પ્રદર્શનકારીઓ અભિનેતાના ઘરની સામે પ્રદર્શન કરી રહ્યા છે.

તેઓએ અહીં ભારે હોબાળો મચાવ્યો હતો અને આ દરમિયાન તેઓએ બહારના ફૂલના કુંડા પણ તોડી નાખ્યા હતા. જણાવી દઈએ કે આ પહેલા અલ્લુ અર્જુને એક પોસ્ટ શેર કરી હતી જેમાં લોકોને કોઈપણ રીતે ગેરવર્તન ન કરવા વિનંતી કરવામાં આવી હતી. વધતા વિવાદ વચ્ચે અલ્લુ અર્જુને દરેકને અપીલ કરી હતી કે તેઓ ઓનલાઈન અને ઓફલાઈન કોઈપણ પ્રકારનું અભદ્ર વર્તન કે અભદ્ર ભાષાનો ઉપયોગ ટાળે. અલ્લુએ તેના ચાહકોને આદર અને સકારાત્મકતા જાળવવા માટે પણ વિનંતી કરી હતી, જ્યારે જવાબદાર વર્તનના મહત્વ પર ભાર મૂક્યો હતો અને બિનજરૂરી તકરાર ટાળવા વિનંતી કરી હતી.

અલ્લુ અર્જુનના ઘર પર થયેલા હુમલાની ભાજપે આકરી નિંદા કરી છે. ભાજપે તેલંગાણામાં કોંગ્રેસની આગેવાની હેઠળની રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. આંધ્ર પ્રદેશ ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ વિષ્ણુ વર્ધન રેડ્ડીએ કહ્યું, “તેલંગાણામાં કોંગ્રેસ સરકારે અલ્લુ અર્જુન જેવા કલાકારને નિશાન બનાવીને ખૂબ જ શરમજનક કૃત્ય કર્યું છે. દક્ષિણ ભારતના સૌથી મોટા કરદાતા અને પ્રતિષ્ઠિત વ્યક્તિ પર આ પ્રકારનો પથ્થરમારો અને ઉત્પીડન માત્ર નિંદનીય છે.

Shah Jina