“મારાથી જેટલું થશે એ હું કરીશ..”અલ્લુ અર્જુન નાસભાગમાં જીવ ગુમાવનાર મહિલાના પરિવારને કરશે રૂપિયા 25 લાખનું દાન

‘પુષ્પા 2’ ફિલ્મ હાલ દેશભરના સિનેમાહૉલમાં ધૂમ મચાવી રહી છે. આ તરફ હવે ફિલ્મના એકટર અલ્લુ અર્જુનનું એક મોટું નિવેદન સામે આવ્યું છે. જેમાં, 4 ડિસેમ્બરે હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં ‘પુષ્પા 2’ ના સ્ક્રિનિંગ દરમિયાન નાસભાગમાં એક મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો અને એક બાળક બેભાન થઈ ગયું હતું. આ મામલે અલ્લુ અર્જુન, તેની સુરક્ષા એજન્સી અને થિયેટર સામે કેસ નોંધવામાં આવ્યો હતો. હવે અલ્લુ અર્જુને આ મામલે પ્રતિક્રિયા આપી છે.

અલ્લુ અર્જુને એક વીડિયો શેર કર્યો છે અને મૃતક મહિલાના પરિવારને સપોર્ટ કરવાની વાત કરી છે. એમ પણ કહ્યું કે, તેનું દિલ તૂટી ગયું છે. નોંધનિય છે કે, 39 વર્ષની રેવતી તેના પતિ અને તેના બે બાળકો સાથે સંધ્યા થિયેટરમાં ‘પુષ્પા 2’ જોવા પહોંચી હતી. અચાનક અલ્લુ અર્જુન પણ ત્યાં પહોંચી ગયો. અભિનેતાને જોઈને ચાહકોની મોટી ભીડ એકઠી થઈ ગઈ અને થિયેટરમાં નાસભાગ મચી ગઈ. ગૂંગળામણને કારણે ઘણા લોકો બેભાન થઈ ગયા જ્યારે એક મહિલાનું મોત થયું. મહિલાના પુત્રની હાલત હજુ પણ નાજુક છે અને તે હોસ્પિટલમાં દાખલ છે.

હું જે કરી શકું તે કરીશ: અલ્લુ અર્જુન

આ મામલે કેસ નોંધાયા બાદ અલ્લુ અર્જુને X પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તે કહી રહ્યો છે કે, તે મહિલાના પરિવારને વ્યક્તિગત રીતે મળશે. અભિનેતાએ એમ પણ કહ્યું કે, આ મુશ્કેલ સમયમાં મહિલાનો પરિવાર એકલો નથી. તે તેમની સાથે ઉભો છે. અલ્લુ અર્જુને એમ પણ કહ્યું છે કે, તે પરિવાર માટે જે પણ કરી શકશે તે કરશે.

અલ્લુ અર્જુન 25 લાખ રૂપિયાનું વળતર અને સારવારનો તમામ ખર્ચ ઉઠાવશે.

આ સાથે અલ્લુ અર્જુને એમ પણ કહ્યું કે, તે મૃતક મહિલાના પરિવારને 25 લાખ રૂપિયાનું વળતર આપશે. સારવાર અને દવાઓનો તમામ ખર્ચ પણ ઉઠાવશે. સંધ્યા થિયેટરમાં બનેલી ઘટના બાદ મૃતક મહિલાના પરિવારજનોએ ચિક્કડપલ્લી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો હતો. આ તરફ મૃતક મહિલાના પતિ મોગદમપલ્લી ભાસ્કરે અલ્લુ અર્જુનને મોત માટે જવાબદાર ગણાવ્યો હતો. તેણે કહ્યું કે, જો અલ્લુ અર્જુન અને તેની ટીમ તેને જાણ કરીને થિયેટરમાં આવી હોત તો ન તો તેની પત્નીનું મૃત્યુ થયું હોત અને ન તો તેના પુત્રની આવી હાલત થઈ હોત. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેના પુત્રની જીદને કારણે તે ફિલ્મ જોવા ગયો હતો કારણ કે તે અલ્લુ અર્જુનનો ફેન છે.

Twinkle