ગુજરાત સમેત દેશભરમાંથી અવાર નવાર હાર્ટ એટેકથી મોતના મામલા સામે આવે છે, મૃતકોમાં મોટી ઉંમરનાથી લઇને નાની ઉંમરના માસૂમ સુધી અનેક સામેલ હોય છે. ત્યારે હાલમાં જ ઉત્તર પ્રદેશના અલીગઢમાંથી એક 8 વર્ષની માસુમ બાળકીનું હાર્ટ એટેકથી મોત થયું હોવાનું સામે આવ્યુ. તે ઘરમાં રમી રહી હતી અને અચાનક તેને છાતીમાં દુખાવો થયો. પીડાને કારણે બાળકી રડવા લાગી અને થોડી જ વારમાં તે બેભાન થઈ ઢળી પડી.
જો કે પરિવારના સભ્યો તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કરી. બાળકીના મોત બાદ ઘરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. માસૂમ બાળકીના મોત બાદ પરિવારજનોની રડી રડીને હાલત ખરાબ છે. ડોકટરોનું માનવું છે કે બાળકીને છાતીમાં દુ:ખાવો હતો એટલે તેને હાર્ટ એટેક આવ્યો જે તે સહન ન કરી શકી અને હોસ્પિટલ પહોંચતા પહેલા જ તેનું મોત થઈ ગયું. જોકે ઘટનાની માહિતી મળતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી, પરંતુ પરિવારજનોએ પોસ્ટમોર્ટમ કરાવવાનો ઇનકાર કર્યો હતો.
આ પછી પોલીસ પરત ફરી હતી. 8 વર્ષની બાળકી દીક્ષા ધોરણ-3માં અભ્યાસ કરતી હતી, તેના પિતાનું નામ જીતુ કુમાર છે અને તેઓ લોધીનગરમાં રહે છે. શનિવારે સાંજે દીક્ષા તેના ભાઈ અને બહેન સાથે ઘરમાં રમી રહી હતી. બાળકો આંગણામાં અહીં-તહીં દોડતા હતા અને અચાનક દીક્ષાને છાતીમાં દુખાવો થયો અને તે ચીસો પાડવા લાગી.