મનોરંજન

કયારેક પૈસા માટે કર્યુ કામ તો કયારેક ફિલ્મ માટે આપ્યુ ઓડિશન, હવે આલિયા ભટ્ટ એક મુવી માટે લે છે આટલા રૂપિયા

અભિનેત્રી આલિયા ભટ્ટે નાની ઉંમરમાં ઘણી સુપરહિટ ફિલ્મો આપીને બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રીઓની યાદીમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. આલિયા ભટ્ટ આ વર્ષની શરૂઆતથી જ ચર્ચામાં છે. આ પહેલા દિગ્દર્શક રાજામૌલીની દક્ષિણ ભારતીય ફિલ્મ RRRમાં આલિયા ભટ્ટના સામેલ થવાની ખબર બાદ તે સમાચારોમાં આવી હતી અને તે બાદ ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી રીલિઝ થયા બાદ તો આલિયાની વાહવાહી થઇ રહી છે. ફિલ્મમાં આલિયાના જોરદાર પ્રદર્શનની ચાહકો ખૂબ પ્રશંસા કરી રહ્યા છે.

આ ફિલ્મમાં તેનો લુક અને અભિનય ચાહકોને આકર્ષી રહ્યો છે. આલિયા ભટ્ટની રાઝી અને હાઈવે જેવી ફિલ્મોને પણ ચાહકો અને વિવેચકો બંને તરફથી પ્રશંસા મળી હતી. આલિયા ભટ્ટ એક ફિલ્મી પરિવારમાંથી આવે છે, તેના પરિવારના કેટલાક સભ્ય ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે, પરંતુ આલિયાએ પોતાના દમ પર એક મોટું સ્થાન હાંસિલ કર્યું છે. આલિયા ભટ્ટ બોલિવૂડની સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓમાંની એક છે. 29 વર્ષીય આલિયા ભટ્ટની કુલ સંપત્તિ 21.7 મિલિયન ડોલર એટલે કે 158 કરોડ રૂપિયા છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આલિયા એક ફિલ્મ માટે 8થી10 કરોડ રૂપિયા લે છે. આલિયાએ રાજામૌલીની ફિલ્મ RRR માટે 9 કરોડ રૂપિયા ચાર્જ કર્યા હતા, જ્યારે આ ફિલ્મમાં તેનો રોલ 20 મિનિટથી ઓછો છે. એટલું જ નહીં, આલિયા ભટ્ટે સંજય લીલા ભણસાલીની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી માટે 20 કરોડ લીધા છે. આલિયા ભટ્ટ ફિલ્મો ઉપરાંત જાહેરાતો, બ્રાન્ડ વગેરેમાંથી પણ મોટી કમાણી કરે છે. અભિનેત્રી આલિયા ભટ્ટનું કાર કલેક્શન ખૂબ જ શાનદાર છે. તેની પાસે Audi Q7, Audi Q5, Audi A6, BMW 7 સિરીઝ, લેન્ડ રોવર, રેન્જ રોવર વગેરે છે.

જો કે આલિયાના પિતા પાસે આલીશાન ઘર છે પરંતુ આલિયા ભટ્ટ મુંબઈના જુહુમાં રહે છે. અહીં તે 205 સિલ્વર બીચ એપાર્ટમેન્ટ્સમાં રહે છે. તેના ઘરને વિકાસ બહલની પત્ની અને પ્રખ્યાત ડિઝાઇનર રિચા બહલે ડિઝાઇન કર્યું છે. આલિયા અહીં તેની બહેન શાહીન ભટ્ટ સાથે રહે છે. આલિયા ભટ્ટનો જન્મ 15 માર્ચ 1993ના રોજ મુંબઈમાં થયો હતો. અભિનેત્રીએ વર્ષ 2012માં ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યરથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં વરુણ ધવન પણ હતો.

પરંતુ બહુ ઓછા લોકો જાણતા હશે કે સ્ટુડન્ટ ઓફ ધ યરમાં આલિયાને એમનેમ રોલ મળ્યો ન હતો. આ માટે તેણે ઘણી મહેનત કરવી પડી હતી. ફિલ્મમાં આલિયાના રોલ માટે 400 લોકોના ઓડિશન લેવામાં આવ્યા હતા. બાદમાં આલિયાનું નામ ફાઈનલ કરવામાં આવ્યું હતું. પરંતુ આલિયા ભટ્ટ વિશે એક વાત સ્વીકારવી પડશે કે અભિનેત્રીએ હંમેશા તેના અભિનયથી ટીકાકારોની બોલતી બંધ કરી દીધી છે.

તેની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી તેનું સૌથી મોટું ઉદાહરણ છે. આ ફિલ્મે જબરદસ્ત કમાણી કરી છે. આ સિવાય રાઝી, ગલી બોય, ઉડતા પંજાબ, ડિયર જિંદગી, હાઈવે, 2 સ્ટેટ્સ, બદ્રીનાથ કી દુલ્હનિયા, કલંક અને સડક 2 જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.  અભિનેત્રીના આગામી પ્રોજેક્ટ વિશે વાત કરીએ તો, તેની પાસે RRR, રોકી ઔર રાનીની લવ સ્ટોરી, બ્રહ્માસ્ત્ર અને ડાર્લિંગ જેવી ફિલ્મો છે.

આ ઉપરાંત હવે તેની પાસે હાર્ટ ઓફ સ્ટોન નામનો હોલીવુડ પ્રોજેક્ટ પણ છે. આલિયા તેની પ્રોફેશનલ લાઇફની સાથે સાથે પર્સનલ લાઇફને લઇને પણ ચર્ચામાં રહે છે. તે હાલમાં બોલિવુડ અભિનેતા રણબીર કપૂરને ડેટ કરી રહી છે અને ખબરો અનુસાર તે બંને જલ્દી જ લગ્નના બંધનમાં બંધાઇ શકે છે.