Video: અક્ષરધામ મેટ્રો સ્ટેશનની છતથી કૂદી ગઇ છોકરી, લોકો બોલાવતા રહી ગયા પરંતુ કોઇનું ના સાંભળ્યુ અને ધડામ દઇને…CISFના જવાનોએ બચાવી

દિલ્હીના અક્ષરધામ મેટ્રો સ્ટેશન પર એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીંના મેટ્રો સ્ટેશન પર એ સમયે બધા ચોંકી ગયા જ્યારે એક છોકરી મેટ્રો સ્ટેશનની દિવાલ પરથી કૂદી પડી. પરંતુ CISF-પોલીસની સમજણને કારણે છોકરીનો જીવ બચી ગયો હતો. દિલ્હીના અક્ષરધામ મેટ્રો સ્ટેશન પર સવારે 7.28 કલાકે CISFના જવાનોએ એક છોકરીને મેટ્રો સ્ટેશનની દિવાલ પર ચડીને કૂદતી જોઈ ત્યારે હંગામો મચી ગયો હતો. જ્યારે CISF જવાનોએ છોકરીને દિવાલ પર જોઈ, તેમના હાથ-પગ ફૂલી ગયા.

આસપાસ હાજર સૈનિકોએ છોકરીને સમજાવવાની કોશિશ કરી અને કહ્યું કે તેણે દિવાલ પરથી નીચે ઉતરી જવું જોઈએ, પરંતુ છોકરી કોઇની વાત માનવા રાજી ન થઈ. સીઆઈએસએફ જવાન યુવતીને વાતોમાં ગૂંચવતા હતા ત્યારે બીજી તરફ સીઆઈએસએફના જવાનો દિવાલ નીચે ચાદર લઈને પહોંચી ગયા હતા જેથી છોકરી કૂદીને નીચે પડે તો તેને ચાદરની મદદથી બચાવી લેવાય, બીજી તરફ સ્થાનિક પોલીસ અને એમ્બ્યુલન્સને પણ બોલાવવામાં આવી.

સીઆઈએસએફના જવાનો છોકરીને સમજાવવાનો પ્રયાસ કરતા રહ્યા પરંતુ છોકરી દિવાલ પરથી કૂદી ગઈ. દિવાલની બીજી બાજુ ચાદર સાથે ઉભેલા સૈનિકોએ તેને પકડી લીધી. આ પછી તેને તાત્કાલિક લાલ બહાદુર હોસ્પિટલમાં લઈ જવામાં આવી. તેને શરીરના કેટલાક ભાગોમાં પણ ઈજા થઈ છે. પણ ક્યાંયથી લોહી નીકળતું નથી. યુવતીની હાલત હાલ સારી છે. સ્થાનિક પોલીસ તપાસ કરી રહી છે કે, આવું કરવા પાછળનું કારણ શું હતું, જેના કારણે યુવતીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

ઘટના ગુરુવારે સવારે 7.30 વાગ્યાની જણાવવામાં આવી રહી છે. જ્યારે આ છોકરી કૂદવાનો પ્રયાસ કરી રહી હતી ત્યારે લોકો અને સુરક્ષાકર્મીઓએ તેને રોકવાનો ઘણો પ્રયાસ કર્યો પરંતુ યુવતીએ કોઈની વાત ન સાંભળી. માહિતી અનુસાર, તે મૂકબધિર છે. કેટલાક રીપોર્ટ અનુસાર, છોકરીના માતા-પિતા પણ વિકલાંગ હોવાનું કહેવાય છે. તેમને આ ઘટના અંગે જાણ કરવામાં આવી છે. યુવતીની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી.

ત્યારે હાલ આ મામલામાં એક નવી અપડેટ સામે આવી છે, દિલ્હીના અક્ષરધામ મેટ્રો સ્ટેશનની છત પરથી કૂદી પડનાર યુવતીનું મોત થયું છે. ઘટના દરમિયાન ચાદર સાથે ઉભેલા જવાનોએ બાળકીને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ઈજાઓ ગંભીર હોવાથી તેનું સારવાર દરમિયાન મોત થયું હતું.

દિલ્હી પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ આ બાબતે જણાવ્યું હતું કે, “તેણે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો પરંતુ CISFના જવાનો અને અન્યોએ તેને બચાવી લીધી હતી. તેને ગંભીર હાલતમાં નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી પરંતુ ત્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.”

CISF અધિકારીઓએ જણાવ્યું કે 20-22 વર્ષની આ યુવતી પંજાબની છે અને અપ્રમાણિત અહેવાલો અનુસાર તે ન તો બોલી શકે છે અને ન તો સાંભળી શકે છે. દરમિયાન આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ઘટના સમયે મેટ્રો સ્ટેશન પર હાજર મુસાફરો આ ઘટના જોઈને ડરી ગયા હતા.

Shah Jina