તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટીવીનો સૌથી લોકપ્રિય અને કોમેડી શો છે. તેના પાત્રો દર્શકોના રોજિંદા જીવનનો એક ભાગ બની ગયા છે. આવી સ્થિતિમાં, શોના મહત્વપૂર્ણ પાત્રોમાંના એક દયાબેનનું શો છોડીને જવું એ ચાહકો માટે આંચકો હતો અને તેઓ વર્ષોથી આ પાત્રની વાપસીની રાહ જોઈ રહ્યા છે. ‘તારક મહેતા…’માં દયાબેનનું પાત્ર ભજવનાર દિશા વાકાણીએ વર્ષ 2017માં મેટરનીટી લિવ લીધી હતી અને તે પછીથી તે શોમાં પાછી ફરી નથી. ત્યારપછી મેકર્સે દયાબેનને બોલાવવાનો ઘણો પ્રયાસ કર્યો પરંતુ ગયા મહિને આ રોલ માટે નવી અભિનેત્રીની શોધ શરૂ કરવામાં આવી.
કેટલાક દિવસ પહેલા જ દયાબેનના વીરા સુંદરલાલનું પાત્ર નિભાવતા મયૂર વાકાણીએ મીડિયા સમક્ષ કહ્યુ હતુ કે, દિશા વાકાણીના ત્યાં પુત્રનો જન્મ થયો છે. જે બાદ અસિત મોદીએ ઇન્ટરવ્યુમાં કહ્યુ કે, તેઓ દયાબેનના પાત્રને ટૂંક સમયમાં જ પાછુ લાવશે અને તેના માટે ઓડિશન પણ ચાલી રહ્યા છે. થોડા દિવસો પહેલા અહેવાલો સામે આવ્યા હતા કે ‘યે હૈ ચાહતેં’ ફેમ ઐશ્વર્યા સખુજાએ દયાબેનના રોલ માટે ઓડિશન આપ્યું હતું અને તેનું કામ નિર્માતાઓને પસંદ આવ્યું છે. એવું કહેવામાં આવ્યું હતું કે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાબેનના આ આઇકોનિક પાત્રને ભજવવા માટે ઐશ્વર્યાના નામ પર વિચાર કરવામાં આવી રહ્યો છે.
હવે ઐશ્વર્યાએ પોતે આ અહેવાલો પર ખુલાસો કર્યો છે. પિંકવિલા સાથે વાત કરતી વખતે ઐશ્વર્યાએ પુષ્ટિ કરી કે તેણે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ માટે ઓડિશન આપ્યું હતું. પરંતુ સાથે જ તેણે એ પણ કહ્યું કે તે શોમાં નથી આવી રહી. તેણે કહ્યું, “મેં આ રોલ માટે ટેસ્ટ આપ્યો હતો પરંતુ મને નથી લાગતું કે હું આ શો કરીશ.” ‘તારક મહેતા…’ વિશે વાત કરીએ તો, અગાઉ એવા અહેવાલ હતા કે ‘હમ પાંચ’ ટીવી શો અને ‘ગોલમાલ રિટર્ન્સ’ ફિલ્મમાં કામ કરી ચૂકેલી અભિનેત્રી રાખી વિજન દયાબેનના રોલમાં જોવા મળશે.
જો કે, અન્ય ઘણા અહેવાલોની જેમ, આ માહિતી પણ ખોટી હોવાનું બહાર આવ્યું. ટીવીના આઇકોનિક શોમાંથી એક ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની કાસ્ટ છેલ્લા 14 વર્ષમાં ઘણી બદલાઈ ગઈ છે. ટપ્પુનું પાત્ર ભજવનાર ભવ્ય ગાંધીના સ્થાને રાજ અનડકટ આવ્યો હતો, જેના હવે શો છોડવાના સમાચાર તાજેતરમાં સામે આવ્યા હતા. આ ઉપરાંત નેહા મહેતા, ગુરચરણ સિંહ સોઢી સહિતના ઘણા કલાકારો હવે આ શોમાં નથી. ગયા મહિને શૈલેષ લોઢાના પણ શો છોડવાના સમાચાર આવ્યા હતા. શૈલેષ હવે નવા શો ‘વાહ ભાઈ વાહ’માં જોવા મળશે, પરંતુ મેકર્સે હજુ સુધી તેના જવાની પુષ્ટિ કરી નથી.