મનોરંજન

ઇડીની 5 કલાકની પૂછપરછ બાદ મોડી રાત્રે દિલ્હીથી મુંબઈ પહોંચી ઐશ્વર્યા રાય, પનામા પેપર લીક મામલામાં ચાલી રહી હતી પુછપરછ

પનામા પેપર્સ લીક ​​કેસમાં ઐશ્વર્યા રાય બચ્ચનની EDએ દિલ્હીમાં લગભગ પાંચ કલાક સુધી પૂછપરછ કરી હતી. EDએ ઐશ્વર્યાને ફેમા કેસમાં સમન્સ પાઠવ્યું હતું જેમાં ધરપકડ કરવામાં આવતી નથી. પૂછપરછ બાદ ઐશ્વર્યા મુંબઈ જવા રવાના થઈ ગઈ હતી. તે મોડી રાત્રે દિલ્હી એરપોર્ટ પર જોવા મળી હતી. આ મામલે ભૂતકાળમાં ઐશ્વર્યા રાય બચ્ચનને બે વખત ફોન કરવામાં આવ્યો હતો, પરંતુ બંને વખત તેણે મેઈલ દ્વારા જવાબ આપ્યો હતો અને નોટિસને મુલતવી રાખવા વિનંતી કરી હતી.

આ પેપર લીકમાં અમિતાભ બચ્ચન અને ઐશ્વર્યા રાય સહિત અનેક ભારતીય સેલિબ્રિટીના નામ આવ્યા હતા. તમામ લોકો પર ટેક્સ ફ્રોડનો આરોપ હતો. અભિષેક બચ્ચનને પણ હાલમાં જ EDએ આ કેસમાં સમન્સ પાઠવ્યું હતું. આ દસ્તાવેજોમાં ફિલ્મ સ્ટાર્સ અને ઉદ્યોગપતિઓ સહિત 500 ભારતીયોના નામ સામેલ છે. આ મામલામાં નામ સામે આવ્યા બાદ અમિતાભે પનામા પેપર્સમાં સામે આવેલી કંપનીઓ સાથે કોઈપણ પ્રકારના જોડાણનો પણ ઈન્કાર કર્યો હતો.

ટેક્સ હેવન ગણાતી પનામાની એક લો ફર્મ મોસાક ફોનસેકાનો 40 વર્ષનો ડેટા 3 એપ્રિલ, 2016ના રોજ લીક થયો હતો. તેમાં ખુલાસો થયો કે કેવી રીતે વિશ્વભરના શ્રીમંત અને પ્રભાવશાળી લોકો ટેક્સ બચાવવા માટે ઓફ-શોર કંપનીઓમાં નાણાંનું રોકાણ કરી રહ્યા છે. આ રીતે કરચોરી અને મની લોન્ડરિંગ મોટા પાયે થઈ રહ્યું હતું.

આ દસ્તાવેજોમાં ફિલ્મ સ્ટાર્સ અને ઉદ્યોગપતિઓ સહિત 500 ભારતીયોના નામ સામેલ છે. આમાં બચ્ચન પરિવારનું નામ પણ સામે આવ્યું હતું. એવો દાવો કરવામાં આવ્યો હતો કે ઐશ્વર્યા રાય દેશ બહારની એક કંપનીની ડિરેક્ટર અને શેરહોલ્ડર હતી. ઐશ્વર્યા ઉપરાંત તેના પિતા કે. રાય, માતા વૃંદા રાય અને ભાઈ આદિત્ય રાય પણ કંપનીમાં તેમના ભાગીદાર હતા.

ખબરોનું માનીએ તો ઐશ્વર્યા રાય બચ્ચનની ફરી પૂછપરછ થઈ શકે છે. બીજી તરફ સોમવારે જયા બચ્ચન પણ સંસદમાં ખૂબ જ નારાજ જોવા મળી હતી. જો કે તેમને આ બાબતનો સીધો ઉલ્લેખ નથી કર્યો, પરંતુ તેમને કહ્યું કે મોદી સરકાર માટે ટૂંક સમયમાં ખરાબ દિવસો આવવાના છે, આવી સ્થિતિમાં સોશિયલ મીડિયા યુઝર્સને લાગે છે કે તે ઐશ્વર્યાના સવાલનો ઉલ્લેખ કરી રહ્યા હતા.