નોનવેજને લઇને BF સાથે થયો ઝઘડો, પછી મળી લાશ…CM યોગીથી સમ્માનિત થઇ ચૂકી છે આ મહિલા પાયલોટ

એર ઈન્ડિયાની 25 વર્ષની મહિલા પાયલોટ સૃષ્ટિ તુલીના મોતના મામલામાં ઘણી બાબતો સામે આવી રહી છે. સૃષ્ટિના પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે સૃષ્ટિ અને બોયફ્રેન્ડ આદિત્ય પંડિત વચ્ચે એક કાર્યક્રમ દરમિયાન નોન-વેજ ફૂડને લઈને ઝઘડો થયો હતો. આદિત્ય એ સૃષ્ટિને બધાની સામે અપમાનિત કરી હતી, જેના કારણે તે માનસિક રીતે ભાંગી પડી હતી. પોલીસનું કહેવું છે કે સૃષ્ટિએ ડેટા કેબલ સાથે લટકીને આત્મહત્યા કરી છે. પરિવારજનોનું કહેવું છે કે આ હત્યાનો મામલો છે.

આ કેસમાં પોલીસે સૃષ્ટિના બોયફ્રેન્ડ આદિત્ય પંડિતની આત્મહત્યા માટે પ્રેરિત કરવાના આરોપમાં ધરપકડ કરી છે. સૃષ્ટિ યુપીના ગોરખપુરની પ્રથમ મહિલા પાયલટ હતી. તેનું મુખ્યમંત્રી યોગી દ્વારા સન્માન પણ કરવામાં આવ્યું હતું. જૂન 2023થી તે એર ઈન્ડિયામાં કામ કરતી હતી. તે મુંબઈના કનાકિયા રેન ફોરેસ્ટ બિલ્ડિંગમાં રહેતી હતી. સૃષ્ટિ તેના બોયફ્રેન્ડ આદિત્ય પંડિતને બે વર્ષ પહેલા દિલ્હીમાં કોમર્શિયલ પાયલોટ કોર્સ દરમિયાન મળી હતી. સૃષ્ટિના પરિવારનો આરોપ છે કે આદિત્ય સૃષ્ટિને માનસિક ત્રાસ આપતો હતો.

તેણે સૃષ્ટિનું જાહેરમાં અપમાન કર્યું હતું. નોન-વેજ ખાવાનું બંધ કરવા માટે મજબૂર કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, સોમવારે બપોરે આદિત્ય, જે પોતાની કાર લઇને દિલ્હી જઈ રહ્યો હતો, ત્યારે સૃષ્ટિએ તેને ફોન કરીને કહ્યું હતુ કે તે આત્મહત્યા કરવા જઈ રહી છે. આ પછી જ્યારે આદિત્ય મુંબઈ પાછો આવ્યો ત્યારે તેણે જોયું કે ફ્લેટનો દરવાજો અંદરથી બંધ હતો. જ્યારે તેણે ચાવી બનાવનારની મદદથી ગેટ ખોલ્યો ત્યારે સૃષ્ટિ લટકતી હાલતમાં મળી આવી. સૃષ્ટિને તરત સેવન હિલ્સ હોસ્પિટલ લઇ જવામાં આવી, જ્યાં ડોક્ટરોએ તેને મૃત ઘોષિત કરી. ફ્લેટથી કોઇ સુસાઇડ નોટ નથી મળી આવી. સૃષ્ટિના કાકાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે, જેમાં આદિત્ય પર વારંવાર સૃષ્ટિને હેરાન કરવાનો અને જાહેરમાં તેનું અપમાન કરવાનો આરોપ છે.

પરિવારનો દાવો છે કે આદિત્ય એ સૃષ્ટિ પર તેની ખાવાની ટેવ બદલવા અને માંસાહારી ખાવાનું છોડી દેવા માટે દબાણ કર્યું હતું. આદિત્યને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં તેને ચાર દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોતનું કારણ ગળું ઘૂંટાવાનું આવ્યું છે. પોલીસ હવે આ ઘટના સાથે જોડાયેલા તમામ પાસાઓની તપાસ કરી રહી છે. સૃષ્ટિનો પરિવાર ન્યાય માટે આજીજી કરી રહ્યો છે. પરિવારજનોનું કહેવું છે કે પુત્રીને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો.

Shah Jina