એર હોસ્ટેસની હત્યાના આરોપીનું પોલિસ સ્ટેશનમાં મોત, પેન્ટથી બનેલ ફંદા પર લટકેલી મળી લાશ
Mumbai Air Hostess Murder Case: ટ્રેની એર હોસ્ટેસ રૂપલ ઓગરેની હત્યાનો આરોપી મુંબઈ પોલીસ લોકઅપમાં મૃત હાલતમાં મળી આવ્યો છે. શુક્રવારની વહેલી સવારે આરોપીની અંધેરી પોલીસ સ્ટેશનના ટોયલેટમાં પેન્ટમાંથી બનાવેલ ફંદાથી લટકતી હાલતમાં લાશ મળી આવી હતી. પોલીસ કસ્ટડીમાં આરોપીની આત્મહત્યાના આ શંકાસ્પદ મામલાએ સનસનાટી મચાવી દીધી છે.
ગત રવિવારે મોડી રાત્રે અંધેરીના મરોલ વિસ્તારમાં ભાડાના ફ્લેટમાં 24 વર્ષીય રૂપલ ઓગરેની ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી. તે છત્તીસગઢના રાયપુરની રહેવાસી હતી અને આ વર્ષે એપ્રિલમાં એક અગ્રણી ખાનગી એરલાઈનમાં ટ્રેનિંગ માટે મુંબઈ આવી હતી. વિક્રમ અઠવાલ કે જે રહેણાંક સોસાયટીમાં છેલ્લા એક વર્ષથી ઘરકામનું કામ કરતો હતો. તેની હત્યાના આરોપમાં સોમવારે ધરપકડ કરવામાં આવી હતી.
સ્થાનિક કોર્ટે આરોપીને 8મી સપ્ટેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો.તપાસ દરમિયાન પોલીસને ગુના સમયે પહેરેલા કપડા તેમજ ટ્રેની એર હોસ્ટેસની હત્યા કરવા માટે આરોપી દ્વારા ઉપયોગમાં લેવાયેલ છરી મળી આવી હતી. પ્રારંભિક તપાસ મુજબ, હાઉસકીપીંગનું કામ કરતો અઠવાલ અને રૂપલ નાની નાની બાબતે બહેસ કરતા હતા અને તેને કારણે અઠવાલ કચરાની થેલીઓ લેવા અને કોમોડ સાફ કરવાના બહાને ફ્લેટમાં ઘુસ્યો અને ત્યારબાદ રૂપલની હત્યા કરી ભાગી ગયો.
જો કે, પોલીસે આરોપીની ધરપકડ કરી તેને કોર્ટમાં રજૂ કર્યો અને કોર્ટે આરોપીને 8 સપ્ટેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં રાખવાનો આદેશ કર્યો. પોલીસના જણાવ્યા અનુસાર, મૃતક આરોપી વિક્રમ અઠવાલ પરિણીત હતો અને તેને બે પુત્રીઓ છે. પરિવારજનોએ જણાવ્યું કે રૂપલ ખૂબ જ શાંત સ્વભાવની હતી. તે તેના મિત્રો સાથે ફરતી હતી અને તેના પરિવારની પ્રિય પણ હતી.
રૂપલ છ મહિના પહેલા એક ખાનગી એરલાઇન કંપનીમાં ઇન-ફ્લાઇટ ક્રૂ ટ્રેનિંગ કોર્સ માટે મુંબઈ આવી હતી. જણાવી દઇએ કે, રૂપલ 2 સપ્ટેમ્બરે અંધેરીના મરોલ વિસ્તારમાં કૃષ્ણલાલ મારવાહ માર્ગ પર એનજી કોમ્પ્લેક્સના ફ્લેટમાં મૃત હાલતમાં મળી આવી હતી.