બિલાડીનો જીવ બચાવવો પડ્યો ભારે, ઝેરી ગેસને કારણે રૂંધાયો શ્વાસ- 5 લોકોના દર્દનાક મોત

કૂવામાં પડેલી બિલાડીને બચાવવા માટે 6 લોકો ઉતર્યા અંદર, 5 લોકોના દર્દનાક મોત- જાણો સમગ્ર મામલો

મહારાષ્ટ્રના અહમદનગરમાંથી એક મોટી ઘટના સામે આવી, અહીં કૂવામાં પડી ગયેલી બિલાડીને બચાવવા જતાં પાંચ લોકોએ જીવ ગુમાવ્યો. વાસ્તવમાં બિલાડી, ઘણા સમયથી બંધ કુવામાં પડી હતી. જ્યારે કેટલાક લોકો તેને બચાવવા કૂવામાં ઉતર્યા તો ઝેરી ગેસને કારણે શ્વાસ રૂંધાવાથી પાંચ લોકોએ જીવ ગુમાવ્યા. માહિતી મળતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને મૃતદેહોને બહાર કાઢ્યા. આ ઘટના અહમદનગરના વાડકી ગામમાં બની હતી.

અહીં મોડી રાત્રે એક બિલાડી કૂવામાં પડી ગઈ હતી. જે કૂવામાં બિલાડી પડી તે ઘણા સમયથી બંધ છે. તેમાં કચરો નાખવામાં આવતો હતો. જેના કારણે તેમાં બાયોગેસ રચાયો હતો. બિલાડીના પડી જવાની જાણ લોકોને થતાં તેઓ તુરંત ઘટનાસ્થળે પહોંચ્યા અને તેને બચાવવાની તૈયારીઓ કરી. લોકોએ બચાવ માટે કૂવામાં પ્રવેશવાનું નક્કી કર્યું. જ્યારે એક વ્યક્તિ નીચે ગયો અને તે પાછો ઉપર ના આવ્યો. આ પછી જ્યારે તેને જોવા બીજો ગયો તો તે પણ પાછો ના આવ્યો.

આ રીતે બિલાડીને બચાવવાના પ્રયાસમાં એક પછી એક પાંચ લોકોના મોત થયા. કૂવામાં ઝેરી ગેસ હોવાને કારણે નીચે ઉતરેલા લોકોનો શ્વાસ રૂંધાયો હતો. કહેવાય છે કે એક વ્યક્તિને બચાવી લેવામાં આવ્યો હતો, જે પોતાની કમરની આસપાસ દોરડું બાંધીને કૂવાની અંદર ઉતર્યો હતો. અહમદનગરના એસપીએ જણાવ્યું કે આ ઘટના 9 એપ્રિલની સાંજે બની હતી.

નેવાસા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટરે જણાવ્યું કે, “બચાવ ટીમે 6 લોકોમાંથી 5 લોકોના મૃતદેહ બહાર કાઢ્યા જેઓ એક બિલાડીને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને બાયોગેસ ચેમ્બર (જૂના કૂવામાં) કૂદી ગયા હતા. એક વ્યક્તિ કે જે કમર ફરતે દોરડું બાંધી કૂવામાં ગયો હતો તે બચી ગયો.

હાલ તો હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે.” જે 5 લોકોના મોત થયા છે તેમની ઓળખ માણિક કાલે (65), માણિકનો પુત્ર સંદીપ (36), અનિલ કાલે (53), અનિલનો પુત્ર બબલુ (28) અને બાબાસાહેબ ગાયકવાડના (36) રૂપમાં થઇ છે, જ્યારે બચી ગયેલા એક વ્યક્તિની ઓળખ માણિકના નાના પુત્ર વિજય (35) તરીકે થઈ છે.

Shah Jina
error: Unable To Copy Protected Content!