“મેં બધી ગોળીઓ લઈ લીધી છે…” અમદાવાદમાં લગ્નના માત્ર 7 મહિનામાં જ પતિના ત્રાસથી પત્નીનો આપઘાત

અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં શંકાશીલ સ્વભાવના કારણે પત્નીએ ઊંઘની ગોળીઓ ખાઇ આપઘાત કર્યો છે. મહિલાએ આપઘાત પહેલાં તેમની માતાને મેસેજ દ્વારા જાણ પણ કરી હતી. જેમાં, ”મમ્મી બેડની નીચે સુસાઈડ નોટ મૂકી છે” એવું કહીને ઊંઘની દવાનો ઓવરડોઝ લઈ પરણિતાએ આપઘાત કર્યો હતો. આ સમગ્ર મામલે પોલીસે પતિ ગીરીરાજ શર્માની ધરપકડ કરી છે.

એક શંકા-કુશંકા લગ્નજીવનમાં કેટલી ઘાતક સાબિત થઇ શકે છે તેનુ ચોંકાવનારું ઉદાહરણ અમદાવાદમાંથી સામે આવ્યું છે. જ્યાં પતિના શંકાશીલ સ્વભાવથી કંટાળી પરિણીતાએ આપઘાત કર્યો છે. સતત આડાસંબંધોની શંકા કરનાર પતિના શારીરિક માનસિક ત્રાસથી માત્ર 7 મહિનામાં પત્નીએ આપઘાત કર્યો.

મળતી માહિતી મુજબ, અમદાવાદના ઘાટલોડિયામાં રહેતા ગીરીરાજ શર્માની પત્ની પલ્લવીએ પતિના ત્રાસથી પોતાના ઘરે ઉંઘની ગોળીઓનો ઓવરડોઝ લઇ જીવ આપી દીધો. સમગ્ર ઘટનાને પગલે પોલીસે તપાસ કરતાં પોલીસને સ્યૂસાઇડ નોટ મળી આવી હતી. જેમાં પતિના શંકાશીલ સ્વભાવને કારણે આપઘાત કર્યાનો પલ્લવીએ ઉલ્લેખ કર્યો હતો. મહિલાએ સ્યૂસાઇડ નોટમાં જબરદસ્તી ગર્ભપાત કરાવ્યો હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે.

એટલું જ નહીં, આપઘાત કરતા પહેલા મહિલાએ તેના માતાપિતાને પણ મેસેજ કર્યો હતો. સમગ્ર ઘટનાની જાણ થતાં ઘાટલોડીયા પોલીસે ગીરીરાજની ધરપકડ કરી છે. અને પોલીસે સમગ્ર વિગતો અંગે વધુ તપાસ શરૂ કરી છે.

Twinkle