BREAKING : અમદાવાદ બ્લાસ્ટ કેસનો ચુકાદો જાહેર ! 38 દોષિતોને ફાંસીની સજા અને 11ને આજીવન કેદ

26 જુલાઇ વર્ષ 2008ના રોજ થયેલ સિરિયલ બ્લાસ્ટ કેસનો ચુકાદો જાહેર થઇ ગયો છે. 14 ફેબ્રુઆરીના રોજ સિવિલ કોર્ચમાં સુનાવણી થઇ હતી અને 49 દોષિતોની આ સુનાવણીમાં સરકાર તરફથી વકીલોએ કોર્ટમાં દલીલ રજૂ કરી હતી. જે બાદ આ કેસમાં 11 અને 14 ફેબ્રુઆરીના રોજ બચાવ પક્ષ અને સરકાર પક્ષની દલીલો કોર્ટે સાંભળી હતી. ત્યારે હવે આ કેસમાં આજે કોર્ટ દ્વારા નિર્ણય આપી દેવામાં આવ્યો છે, જેમાં કોર્ટે 38 દોષિતોને ફાંસીની સજા અને 11 દોષિતોને આજીવન કેદની સજા સંભળાવી છે. ઉલ્લેખનીય છે કે, હાલ તો આરોપીઓ અલગ અલગ જેલમાં બંધ છે, જેમાં અમદાવાદ, મધ્યપ્રદેશ અને બિહાર તેમજ મહારાષ્ટ્રની જેલ સામેલ છે.

જણાવી દઇએ કે, દેશના ઇતિહાસમાં કોર્ટ દ્વારા ઐતિહાસિક ચુકાદો સંભળાવવામાં આવ્યો છે. આ અગાઉ પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધી હત્યા કેસમાં ફાંસીનો અંક વધુ હતો. નોંધનીય છે કે,મૃતકોને 1 લાખ રૂપિયાનું વળતર, ઇજાગ્રસ્તને 50 હાજર વળતર અને સામાન્ય ઈજાગ્રસ્તને 25 હજારનું વળતર આપવા આદેશ કરાયો છે.

ન્યુઝ 18 મીડિયાના રીપોર્ટ અનુસાર,1થી 16 નંબર અને 18,19,20,28,31,32,36,37,38,39,40,42,44,45,47,49,50,60,63,69,70 અને 78 નંબરના આરોપીઓને ફાંસીની સજા ફટકારવામાં આવી છે.જણાવી દઇએ કે, 8 ફેબ્રુઆરીના રોજ આ કેસનો ચુકાદો આવ્યો હતો અને દેશના ઇતિહાસમાં પહેલીવાર 49 જેટલા આરોપીઓને દોષી ઠેરવવામાં આવ્યા હતા, આ કેસના કુલ 78 આરોપી હતા જેમાંથી 49ને UAPA અંતર્ગત દોષી ઠેરવવામાં આવ્યા હતા. ત્યારે જે 49 દોષિત હતા તેમાંથી 1 હતો અયાઝ સૈયદ તેણે તપાસમાં મદદ કરી હોવાથી તેને સજામાંથી મુક્તિ આપવામાં આવી હતી.

કોર્ટે 29 આરોપીઓને શંકાના આધારે નિર્દોષ પણ જાહેર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, જે દોષિત આરોપીઓ છે તેમાંના 32 તો હાલ સાબરમતી સેન્ટ્રલ જેલમાં છે. આ કેસમાં 15 ફેબ્રુઆરીના રોજ તમામ પક્ષે દોષિતોને સજા મામલે સુનાવણી પૂર્ણ કરી હતી અને વિશેષ કોર્ટે દોષિતોનો, બચાવ પક્ષના વકીલોનો અને પ્રોસીક્યુશનનો પક્ષ સાંભળ્યો હતો. 26 જુલાઇ 2008ના રોજ થયેલ સિરિયલ બ્લાસ્ટમાં સુરતમાં 15 જેટલી ફરિયાદ પોલિસ દ્વારા નોંધવામાં આવી હતી અને 20 જેટલી અમદાવાદમાં નોંધવામાં આવી હતી. આ કેસમાં 78 આરોપીઓ વિરૂદ્ધ કેસ ચલાવવામાં આવ્યો પરંતુ હજી પોલિસ 8 આરોપીઓને શોધી રહી છે.

પ્રતિકાત્મક તસવીર

26 જુલાઇ વર્ષ 2008, શનિવારનો એ ગોઝારો દિવસ કે જયારે અમદાવાદમાં એક બાદ એક 70 મિનિટમાં 21 બ્લાસ્ટ થયા હતા. જેમાં ખાડિયામાં 3, બાપુનગર 2, રામોલ 2 અમરાઈવાડી 1, , વટવા 1, દાણીલિમડા 1, ઇસનપુર 1, ઓઢવ 2, કાલુપર 1, અમદાવાદ સિવિલ 1, નરોડા 2, સરખેજ 1, નિકોલ 1 અને ખાત્રજમાં 1. જેમાંથી રામોલ અને ખાત્રજમાં એએમટીએસની બસમાંથી જે બોમ્બ મળ્યા હતા તેને ડિફ્યૂઝ કરવામાં આવ્યા હતા.

Shah Jina