અમદાવાદીઓની આવી ખરાબ હાલત કોઈ દિવસ નહિ જોઈ હોય, ચોતરફ તબાહીનાં દ્રશ્યો, લોકોની ઘરવખરી નાશ પામી- વાહનો પણ ડૂબ્યા!

ગુજરાતમાં હાલ ચોમાસુ રમઝટ બોલાવી રહ્યુ છે. રવિવારના રોજ અમદાવાદમાં પડેલા વરસાદે તો જળબંબાકારની સ્થિતિ સર્જી નાખી હતી. અમદાવાદમાં રવિવારે સાંજખી શરૂ થયેલા વરસાદને કારણે તો 24 કલાકમાં જ શહેરમાં તારાજીના દ્રશ્યો સર્જાયા હતા. આ ઉપરાંત મોડી રાતે 2 વાગ્યાથી શરૂ થયેલા વરસાદના બીજા રાઉન્ડે તો નિકોલ અને નારણપુરા વચ્ચેની પૂર્વ અને પશ્ચિમની ભેદરેખા ભૂસી નાંખી હતી. ઘણી હદ સુધી શહેરમાં તારાજીના દ્રશ્યો જોવા મળ્યા હતા. કેટલાકના તો ઘરોમાં પાણી, તો કેટલાકની દુકાનોમાં પાણી ફરી વળ્યાં હતા.

આ ઉપરાંત ભારે વરસાદને પગલે રોડ પર પણ પાણી ભરાતા ઘણા વાહનો પણ ગરકાવ થઈ ગયા હતા. ત્યારે વરસાદના કારણે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રી મોનસુન કામગીરીને લઇને અનેક સવાલો ઉઠ્યા હતા. મીડિયાના અહેવાલો અનુસાર, સમગ્ર શહેરમાં લગભગ 24 કલાકમાં વરસેલા ધોધમાર વરસાદને કારણે અંદાજે એક હજાર કરોડ જેટલી સંપત્તિને નુકસાન થવા પામ્યુ હતું.

હવામાન વિભાગની આગાહીની વાત કરીએ તો, આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના જૂનાગઢ, ભાવનગર, પોરબંદરમાં અનેક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત મધ્ય ગુજરાતની વાત કરીએ તો, વડોદરા, આણંદ, અને છોટાઉદેપુરમાં ભારે વરસાદની સંભાવના છે.

ગુજરાતમાં વ્યાપક અને ભારે વરસાદથી સર્જાયેલી વિકટ પરિસ્થિતિ અંગે PM મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી અને વિગતો મેળવી હતી. CMએ ખાસ કરીને દક્ષિણ અને મધ્ય ગુજરાત વિસ્તારમાં પાછલા 48 કલાકમાં જે ભારે વરસાદ વરસ્યો છે એની અને તેને પરિણામે ઊભી થયેલી સ્થિતિની પીએમ મોદીને વિગતો આપી હતી. પીએમ મોદીએ વરસાદી સ્થિતિને પહોચી વળવા NDRF સહિતની જરૂરી મદદ માટે કેન્દ્ર સરકાર પડખે હોવાની ખાતરી આપી હતી.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસથી વરસી રહેલા વરસાદને પરિણામે રાજ્યની 207 જેટલી યોજનાઓમાં 40.24 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. આજે એટલે કે 12 જુલાઇની વાત કરીએ તો, વલસાડ, ડાંગ, નવસારી, દમણ, દાદરા અને નગર-હવેલી, તેમજ સુરત, તાપીનાં અનેક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. જ્યારે અમરેલી અને ભાવનગર, તેમજ અમદાવાદ, આણંદ, ખેડા, ભરૂચ, નર્મદા અને વડોદરા તથા સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, જૂનાગઢ અને દીવમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

અમદાવાદની રવિવારની વાત કરીએ તો, સોમવારે સવારે સાત વાગ્યાની સ્થિતિએ છેલ્લા 24 કલાકમાં 14.29 ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો અને તેને કારણે અનેક ઠેકાણે પાણી ભરાઇ ગયા હતા. શાળા અને કોલેજોમાં પણ સોમવારના રોજ રજા જાહેર કરવામાં આવી હતી. ભારે વરસાદને પગલે પ્રહલાદનગર રોડ પર આવેલા ઔડા તળાવની પાળી તૂટતા વ્રજવિહાર એપાર્ટમેન્ટના બેઝમેન્ટમાં પાણી ભરાઈ ગયા હતા.

અમદાવાદના પૂર્વ અને પશ્ચિમના મોટાભાગના વિસ્તારો તળાવમાં ફેરવાઇ ગયા હતા.આ દરમિયાન અમદાવાદ પોલિસે અમદાવાદીઓની મદદ કરી માનવતા મહેકાવી હતી. શહેરમાં ભારે હાલાકી વચ્ચે પોલિસકર્મીઓ હોસ્પિટલમાં ફસાયેલા બાળકોને ઊંચકીને લઇ જતી જોવા મળી હતી. વરસાદને કારણે લોકોના ઘરમાં અને હોસ્પિટલમાં પાણી આવી ગયા હતા. આ વચ્ચે પોલિસ જવાનની કામગીરીના એવા દ્રશ્યો સામે આવ્યા કે તમે પણ તેમને સલામ કરશો.

અમદાવાદના સરસપુરમાં આવેલ શારદાબેન હોસ્પિટલમાં વરસાદને કારણે પાણી ભરાયા હતા અને દર્દીઓ પણ અટવાઇ ગયા હતા.ત્યારે પોલિસ દેવદૂત બનીને આવી અને તેમણે દર્દી અને બાળકોને પોતાના સ્વજનની જેમ હાથમાં ઊંચકી સુરક્ષિત સ્થળે પહોંચાડ્યા. પોલિસ જવાનોએ માત્ર હોસ્પિટલમાંથી જ દર્દીનો સુરક્ષિત જગ્યાએ ન પહોંચાડ્યા પરંતુ વૃક્ષ ધરાશાયી થવાને કારણે રસ્તો બંધ થતા ટ્રાફિકજામ થવાને લીધે પોલિસે તાત્કાલિક વૃક્ષો દૂર કરૂ રસ્તા ખોલાવ્યા.

આ ઉપરાંત રસ્તા પર પાણીને લીધે બંધ થઇ જતા વાહનોની પણ પોલિસે ધક્કા મારી મદદ કરી હતી. ઉલ્લેખનીય છે કે, આ બધા વચ્ચે બીજી એક ખાસ વાત થઇ,જેમાં સીમ્સ હોસ્પિટલમાં મહારાષ્ટ્રના એક પાંચ વર્ષના મુસ્લિમ બાળકને લોહીની જરૂર પડતા એક હિંદુ દંપતિ તેમની મદદે પહોંચ્યુ અને તેમણે કેડસમા પાણીમાં પણ તે બાળકની મદદે આવ્યા. આ દરમિયાન તેઓ ટુ વ્હીલરથી ન પહોંચી શકતા સેટેલાઇટ પોલિસની મદદ માંગી અને પોલિસ દેવદૂત બની તે બાળકની મદદ કરવા દંપતિને હોસ્પિટલ લઇ ગઇ હતી.

Shah Jina