ખબર

અમદાવાદમાં કપડાના ગોડાઉનમાં લાગી ભીષણ આગ, 9 લોકોના મૃત્યુ, આગ બાબતે થયો મોટો ખુલાસો

આજે બુધવારના રોજ અમદાવાદના એક કપડાના ગોડાઉનમાં ભીષણ આગ લાગી ગઈ, આગ લાગ્યા બાદ બિલ્ડિંગમાં થયેલા ધમાકાના કારણે છત ધરાશયી થઇ ગઈ, જેના કારણે 9 લોકોના મૃત્યુ થયા અને જાણકારી પ્રમાણે હજુ પણ 4 લોકો કાટમાળમાં દબાયેલા હોવાની આશંકા છે.

આગને કાબુમાં લેવા માટે ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ. રાહત અને બચાવ કામગીરી ચાલુ છે. આ દુર્ઘટના નાનુકાકા એસ્ટેટમાં આવેલા એક કપડાના ગોડાઉનમાં લાગી છે. કાટમાળમાં દબાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી પણ ચાલુ છે. પ્રસાશન દ્વારા 9 લોકોના મૃત્યુની ખાતરી પણ કરવામાં આવી છે.

પ્રસાશનના મોટા અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ઘાયલોને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. ફાયર બ્રિગેડના એક અધિકારીએ જણાવ્યું કે ગોડાઉનની બાજુમાં એક બોયલરમાં બ્લાસ્ટ થવાના કારણે આગ લાગી છે. આ દુર્ઘટનામાં 6 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. જેમાંથી એક ઠીક હાલતમાં છે અને બાકીની હાલત ગંભીર અને મૃત હોઈ શકે છે. ફાયર બ્રિગેડની 12 ગાડીઓ આગને બુઝાવવાની કામગીરી કરી રહી છે.

Image Source

અમદાવાદના કપડાં ગોડાઉનમાં લાગેલી આ આગમાં એક ચોંકાવનારો ખુલાસો પણ સામે આવ્યો છે. આ દુર્ઘટનામાં થયેલા 9 લોકોનાં મૃત્યુ બાદ તંત્ર જાગ્યું હતું અને તેમના ધ્યાને આવ્યું હતું કે ફેક્ટરી ગેરકાયદે ધમધમતી હતી અને તેની પાસે કોઈપણ જાતનું રજિસ્ટ્રેશન પણ નહોતું. અને ફેક્ટરી માલિક પાસે NOC પણ નહોતી.

આ દુર્ઘટનાના કારણે તંત્ર ઉપર પણ સવાલો ઉભા થયા છે. છેલ્લા ઘણા વર્ષોથી ગેર કાયદેસર રીતે ધમધમતા આવા ગોડાઉન અને કારખાનાઓ આવી ઘટના બાદ જ કેમ પ્રકાશમાં આવે છે? આવી ઘટનાઓનો ભોગ નિર્દોષ લોકો બને છે. છતાં પણ તંત્ર દ્વારા કોઈ યોગ્ય પગલાં લેવામાં નથી આવતા.

અમદાવાદમાં બનેલી આ ઘટનાની નોંધ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ લીધી છે અને તેમને ટ્વીટર દ્વારા ટ્વીટ કરીને આ મામલે પોતાનું દુઃખ પણ વ્યક્ત કર્યું છે.