ખબર

ચેતવણીરૂપ કિસ્સો ! અમદાવાદમાં વેપારી પાસેથી ખરીદ્યા તેલના ડબ્બા, PayTmથી પેમેન્ટ કર્યુ પણ બેંકમાં પૈસા ન આવ્યા…

ગુજરાતમાંથી છેલ્લા ઘણા સમયથી છેતરપીંડીના બનાવો સામે આવી રહ્યા છે. ઘણીવાર ગઠિયાઓ દ્વારા વેપારી પાસે માલ ખરીદી અને તેમને પૈસા ન આપવાના કિસ્સાઓ સામે આવતા હોય છે ઘણીવાર બેંક એકાઉન્ટમાં ગઠિયાઓ દ્વારા છેતરપીંડી કરવાના કિસ્સાઓ સામે આવતા રહે છે, પરંતુ હાલ જે કિસ્સો સામે આવ્યો છે, તે ખરેખર ચોંકાવનારો છે અને આવો કિસ્સો કદાચ જ તમે કયારેય સાંભળ્યો હશે. અમદાવાદના એક વેપારીને કડવો અનુભવ થયો છે. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

અમદાવાદના દિલ્હી દરવાજા ખાતે એક કરિયાણાની દુકાનમાં બે ગઠિયાઓ રિક્ષા લઇ ખરીદી કરવા માટે આવ્યા હતા અને આ વાત 30 સપ્ટેમ્બરની છે, તે બંનેની ઉંમર લગભગ 25-30 વર્ષની હતી. તેમણે તિરૂપતિ તેલના 15 કિલોના બે, ગુલાબ કપાસિયાના 5 લિટરના બે કેરબા ખરીદ્યા અને આની કિંમત 6700 હતી. આ માલ ખરીદી તેમની પાસે રોકડા ન હોવાનો તેમણે દાવો કર્યો અને તેમણે PayTm મારફતે પૈસા ટ્રાન્સફર કરીએ તેવું ક્હ્યુ પરંતુ વેપારીના મોબાઇલમાં PayTmની એપ્લિકેશન ન હતી જેને કારણે તેમના ત્યાં કામ કરતા એક વ્યક્તિએ કહ્યુ કે તેના મોબાઇલમાં એપ છે અને તે લોકો તેના નંબર પર પૈસા ટ્રાન્સફર કરી દે તેવું કહ્યુ.

ગઠિયાઓએ પેટીએમનું પેમેન્ટ થયુ હોવાનો ડોળ કર્યો અને લગભગ પાંચ મિનિટ બાદ મોબાઇલમાં પૈસાનો મેસેજ પણ આવ્યો, પરંતુ થોડીવાર બાદ બેન્ક એકાઉન્ટ ચેક કર્યુ તો તેમાં પૈસા જમા થયા ન હતા. ત્યારે ટેક્નિકલ ફોલ્ટ હશે તેવું માની વેપારીએ થોડા દિવસ રાહ જોઇ અને તેમ છતાં પણ પેમેન્ટ ન થયુ હોવાથી તેમણે માધવપુરા પોલિસ સ્ટેશને ફરિયાદ નોંધાવી. પોલિસે આરોપીઓને ઝડપી પાડવા માટે ઝડપી તપાસ શરૂ કરી છે.

ઉલ્લેખનીય છે કે,  અમદાવાદમાં છેતરપિંડીના બનાવો વધી રહ્યા છે. ચેન-સ્નેચિંગ અને વાહનચોરીના ગુનાઓ પણ ઘણીવાર નોંધાતા હોય  છે ત્યારે ચોરો અને છેતરપીંડી કરનારાઓ બેફામ બન્યા છે. સાયબર ક્રાઈમથી પણ હવે લોકો છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે. ડિજિટલ પેમેન્ટથી ઠગવાના ગુનાઓની ફરિયાદો નોંધાઈ રહી છે.