અમદાવાદના બોપલના ગરોડિયા ગામની સીમમાંથી ગત શુક્રવારે સવારે લોહીલુહાણ હાલતમાં એક લાશ મળી આવી હતી, જે હેબતપુર વિસ્તારમાં રહેતા અને જમીન દલાલીનું કામ કરતા એનઆરઆઇ દીપક પટેલની હતી. આ ઘટનાની જાણ બોપલ પોલીસને કરાતા પોલિસે ઘટના સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. પોલિસ દ્વારા આ મામલે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો અને વધુ તપાસ શરૂ કરી.
આ હત્યાનો ભેદ પોલિસે ઉકેલી નાખ્યો છે, અને શીલજના રહેવાસી ઇન્દ્રજીત વાઘેલાની ધરપકડ કરી છે. આરોપીની પૂછપરછમાં સામે આવ્યું કે મૃતક અને આરોપી બંને જમીન દલાલીનું કામ કરતા અને છેલ્લા 16 વર્ષથી એકબીજાના સંપર્કમાં હતા. મૃતકે આરોપી પાસેથી કેટલાક રૂપિયા લીધા હતા અને જમીન દલાલીના બાકી રૂપિયા એમ 61 લાખ આરોપીને મૃતક પાસેથી લેવાના હતા.
જો કે આ રૂપિયા મૃતક ના આપતા હોવાને કારણે બંને વચ્ચે બોલાચાલી થઈ અને આરોપીએ ગાડીમાં પડેલી પાઇપ વડે માર મારી મૃતકને મોતને ઘાટ ઉતારી દીધા. આ પછી દીપક પટેલનો મૃતદેહ 20થી25 ફૂટ ઢસેડી ઝાડી ઝાંખરામાં ફેંકી દીધો અને મૃતકની ગાડી લઈ ફરાર થઈ ગયો. જો કે પોલીસને જાણ થતાં તેમણે આરોપીને ઝડપી લીધો. આરોપી પર આ પહેલા પણ મારામારી અને જુગારનો કેસ નોંધાઇ ચૂક્યો છે. હાલમાં પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.