અમદાવાદના નારોલમાંથી હાલમાં જ એક ચકચારી હત્યાનો કિસ્સો સામે આવ્યો, જેમાં જમવાનું સ્વાદિષ્ટ ન બનાવતા પત્નિનું ગળું દબાવીને પતિએ હત્યા કરી દીધી. આ ઘટના બાદ પતિ પોતે નારોલ પોલીસ સ્ટેશન પહોંચ્યો અને કહ્યું ‘મેં મારી પત્નીની હત્યા કરી છે’. આરોપીનું નામ પ્રદીપ વણકર છે અને તેના લગ્ન પ્રજ્ઞા સાથે 28 એપ્રિલ 2024ના રોજ થયા હતા. ત્યારે ચાર જ મહિનામાં પતિએ પત્નીની હત્યા કરી દેતા ચકચાર મચી ગઇ છે.
પ્રાપ્ત વિગત અનુસાર, નારોલ શાહવાડી વિસ્તારમાં પ્રભુનગરમાં 7 સપ્ટેમ્બરે રાત્રે પ્રદીપે પ્રજ્ઞાની ગળે ટૂંપો આપીને હત્યા કરી દીધી. આ પછી તે નારોલ પોલીસ સ્ટેશન પહોચ્યો અને પોતે પત્નીની હત્યા કરી હોવાની કબૂલાત કરી. ત્યારબાદ નારોલ પોલીસની એક ટીમ આરોપીને સાથે રાખી ઘરે પહોચી ત્યારે પ્રજ્ઞાની હત્યા કરેલો મૃતદેહ મળી આવ્યો.
એવું સામે આવ્યુ છે કે પતિ પત્ની વચ્ચે જમવાનું સ્વાદિષ્ટ નહીં બનવાને કારણે ઝઘડો થયો હતો. 28 એપ્રિલે પ્રજ્ઞાના લગ્ન મહેસાણાના પ્રદીપ વણકર સાથે સમાજના રીતિ રિવાજ મુજબ થયા હતા. પ્રદીપ ગાંધીનગરમાં આવેલ BCBS ઇલેક્ટ્રિક પંખાની કંપનીમાં નોકરી કરે છે. જ્યારે મૃતક પ્રજ્ઞા વટવાની જ્ઞાન શાળામાં ટીચર હતી.
ત્યારે હજુ તો લગ્નને 4 મહિનાનો જ સમય થયો છે અને લગ્ન બાદ પતિ-પત્ની મહેસાણાથી અમદાવાદ રહેવા આવ્યા અને 15 દિવસ પહેલા જ શાહવાડીમાં મકાન ભાડે રાખ્યું હતું. બંને વચ્ચે મકાન અને જમવાને લઇને અવાર નવાર તકરાર ચાલતી હતી. હત્યાના દિવસે રાત્રે 9 વાગ્યે પ્રદીપ જમવા બેઠો ત્યારે રસોઈ સ્વાદિષ્ટ નહીં હોવાને કારણે બંને વચ્ચે ઝઘડો થયો અને એકબીજાને મારવાનું શરૂ કર્યું. આ પછી પ્રદીપે પત્નીની હત્યા કરી દીધી અને ઘર કંકાસમાં દામ્પત્યજીવનનો માળો વિખેરાઈ ગયો.