BREAKING : વર્ષના છેલ્લા દિવસે વધુ એક દુર્ઘટના, અમદાવાદની ફેમસ હોસ્પિટલમાં આગ લાગતા બેના મોત

ગુજરાતમાંથી કેટલીકવાર આગ લાગવાની ઘટનાઓ સામે આવતી રહે છે, કેટલીકવાર ચાલુ બસમાં તો કેટલીકવાર ચાલુ ગાડીએ તો કેટલીકવાર હોસ્પિટલમાં કે કેટલીકવાર રેસિડન્સ એરિયામાં આગ લાગવાની ઘટના બને છે. હાલમાં અમદાવાદમાંથી આગ લાગવાની ઘટના સામે આવી છે. નારણપુરા વિસ્તારમાં જય મંગલ BRTS બસ સ્ટેન્ડ પાસે મોદી આઈ કેર નામની હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના બની છે. ઘટનાને પગલે બે એમ્બ્યુલન્સ અને ચારથી વધુ ફાયરબ્રિગેડની ગાડીઓ પહોંચી હતી અને ફાયરના ઉચ્ચ અધિકારીઓ પણ પહોંચ્યા હતા.

હોસ્પિટલમાં આગ લાગવાને પગલે બેના મોત થયા છે. આગમાં ગૂંગળામણના કારણે હોસ્પિટલમાં દેખરેખ રાખનારા પતિ-પત્નીના મોત થયા હોવાનું સામે આવ્યુ છે. આ પતિ-પત્ની મૂળ રાજસ્થાનના પ્રતાપગઢના ધરીયાવાદ ગામના રહેવાસી છે અને તેમનું નામ 25 વર્ષિય નરેશભાઈ પારઘી અને તેમના પત્ની 24 વર્ષિય હર્ષાબેન પારઘીનું મોત થયું છે. સવારે 9.30 વાગ્યાની આસપાસ ફાયર બ્રિગેડને આગ લાગી હોવાની જાણ થઇ હતી

અને તે બાદ તાત્કાલિક ફાયર બ્રિગેડના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને આગને કાબૂમાં લેવાનું કામ શરૂ કર્યુ. ફાયરબ્રિગેડના જણાવ્યા મુજબ તેઓ અહીં પહોંચ્યા ત્યારે આગની જ્વાળાઓ નહીં પણ ધુમાડા જોવા મળ્યા. તેમને પલંગ પર એક પુરુષ અને મહિલા મૃત હાલતમાં મળ્યા હતા. જણાવી દઇએ કે, વર્ષનાં છેલ્લા દિવસે એટલે કે આજે સવાર સવારથી બે દુર્ઘટના ગુજરાતમાંથી સામે આવી ચૂકી છે.

નવસારી હાઇવે પર વહેલી સવારે કાર અને બસ વચ્ચે ટક્કર થતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો અને તેમાં નવ લોકોએ પોતાના જીવ ગુમાવ્યાં છે. ત્યારે હાલમાં અમદાવાદમાંથી દુર્ઘટના સામે આવી, જેમાં હોસ્પિટલમાં આગ લાગતા બે લોકોના મોત નિપજ્યા.

Shah Jina