Accident In Ahmedabad: ગુજરાતમાંથી ઘણીવાર અકસ્માતની ઘટના સામે આવે છે, કેટલીકવાર તો આવા અકસ્માતના મામલામાં લોકો મોતને પણ ભેટતા હોય છે. ત્યારે હાલમાં અમદાવાદના પરિમલ ગાર્ડન પાસેના અંડરબ્રીજમાંથી અકસ્માતની ખબર સામે આવી છે, જેમાં એક એક્ટિવા ચાલકે બેલેન્સ ગુમાવતા તે સ્લીપ થયો હતો અને આ દરમિયાન તેના માથા પરથી પાછળથી આવતી ગાડીનું પૈડું ફરી વળ્યુ હતુ જેના કારણે તેનું ઘટનાસ્થળ પર જ મોત થયું હતુ.
પ્રાપ્ત માહિતી અનુસાર, નવરંગપુરાનો નૈમિલ શાહ આઇટી કંપનીમાં નોકરી કરે છે અને સવારે જ્યારે તે નોકરી પર એક્ટિવા લઈને જઈ રહ્યો હતો ત્યારે જ પરિમલ અંડરબ્રિજમાંથી પસાર થતા તેના એક્ટિવાનું બેલેન્સ બગડ્યુ અને તેને કારણે તે નીચે પટકાયો. આ દરમિયાન જ પાછળથી આવી રહેલ ગાડીનું પૈડું તેના માથા પર ફરી વળ્યું અને ગંભીર અકસ્માતના કારણે નૈમિલના માથામાં ઇજા પહોંચતા તેનું ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યું.

ઘટનાની જાણ થતા જ પોલીસ પણ દોડી આવી હતી અને પરિવારને જાણ કરી હતી. ઘટનાસ્થળે પહોંચ્યા બાદ પોલીસે લોકોના ટોળાને વિખેર્યુ હતિ અને નૈમિલના મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યો હતો. ઘટનાને લઈને M ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.