અમદાવાદની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં મચ્યો હોબાળો, 2ના મોત, દર્દીઓના પરિવારને જાણ વિના જ કરાયા ઓપરેશન

અમદાવાદના એસજી હાઈવે પર રાજપથ ક્લબની સામે આવેલ ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ હાલ ખૂબ ચર્ચામાં છે, જેનું કારણ એ છે કે દર્દીઓના પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે, આ હોસ્પિટલમાંથી પરિવારને જાણ કર્યા વગર જ દર્દીઓના ઓપરેશન કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત બે લોકોના મોત થયા હોવાનું પણ કહેવાઇ રહ્યુ છે. એવો પણ આરોપ છે કે સરકારી યોજનામાંથી રૂપિયા કમાવવા આવું કરવામાં આવ્યુ છે અને પરિવારને જાણ કર્યા વિના સ્વજનોના ઓપરેશન કરી જીવ સાથે ચેડા કર્યા છે.

ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં તોડફોડ કરવામાં આવી છે. કડીના બોરીસણા ગામમાં હેલ્થ ચેકઅપ કેમ્પ બાદ દર્દીઓને અમદાવાદ હોસ્પિટલ ખાતે સારવાર માટે બોલાવવામાં આવ્યા અને તેના કારણે બેના મોત થયા હોવાના આક્ષેપ ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યા છે. હાલ સાત લોકો ICUમાં દાખલ છે. હોસ્પિટલની બેદરકારીના કારણે સ્વસ્થ લોકોના મોત થયા હોવાના આક્ષેપ ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યા છે.

જેને લઇને ગ્રામજનોએ વહેલી સવારે હોસ્પિટલ ખાતે પહોંચી તોડફોડ કરી હતી. દર્દીઓના સ્વજનોનો આક્ષેપ છે કે, કડીના બોરીસણા ગામે હોસ્પિટલ તરફથી મેડિકલ ચેકઅપના બેનરો લગાવાયા હતા અને આ પછી 19 જેટલા લોકોને સારવાર માટે ખ્યાતિ હોસ્પિટલ લઈને આવ્યા. સારવાર દરમિયાન બે લોકોના મોત થતા અને પરિવારજનોને જાણ કરાતા તેઓએ વહેલી સવારે હોસ્પિટલમાં આવી તોડફોડ કરી હતી.

જો કે હોબાળો મચવાને કારણે મીડિયાકર્મીઓ પણ આવી ગયા હતા અને કવરેજ કર્યુ હતુ. આ દરમિયાન હોસ્પિટલના સત્તાધિશોએ મીડિયા સાથે ગેરવર્તન કર્યું હોવાનું પણ કહેવાઇ રહ્યુ છે. એવું પણ સામે આવ્યુ છે કે હોસ્પિટલમાં મીડિયાને કવરેજ કરતા રોકવામાં આવ્યા હતા. ગામના સરપંચે જણાવ્યુ કે, મોટાભાગનાં લોકોને કોઇ તકલીફ હોય કે ના હોય તેમ છત્તાં બધાની એન્જિયોગ્રાફી કરવામાં આવી, અને સાતથી આઠ લોકોને તો સ્ટેન્ડ પણ મૂકી દીધા.

જો કે બે લોકોના મોત થતા પરિવારજનો સહિત ગ્રામજનોએ હોબાળો મચાવ્યો હતો અને હોસ્પિટલમાં તોડફોડ કરી હતી. દર્દીઓની સારવાર કરવાની શરૂ કરી ત્યાં સુધી તો ઘરનાં કોઈને આ અંગે જાણ પણ કરવામાં ન આવી હોવાનો આક્ષેપ છે. આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે તપાસનાં આદેશ આપ્યા છે અને આ અંગે ટ્વીટ પણ કર્યુ છે.

 

View this post on Instagram

 

A post shared by Zee 24 Kalak (@zee24kalak)

Shah Jina