અમદાવાદનું ઈસ્કોન મંદિર વિવાદમાં આવ્યું છે. ગાંધીનગર હાઈવે પર આવેલ ઈસ્કોન મંદિરના પૂજારીઓ પર છોકરીઓનું અપહરણ કરીને તેનું બ્રેઈન વોશ કરવાનો આરોપ છે. આ સંદર્ભે એક નિવૃત્ત આર્મીમેને તેમની પુત્રી માટે હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ અરજી દાખલ કરી છે. આમાં જવાને પુત્રીને પૂજારીઓની ગેરકાયદેસર કસ્ટડીમાંથી મુક્ત કરવાની વિનંતી કરી છે. યુવતિના પિતાએ પોતાની અરજીમાં જણાવ્યું કે, તેમની પુત્રીનું સરખેજના પૂજારીઓ દ્વારા બ્રેઈનવોશ કરવામાં આવ્યું છે, એટલું જ નહીં, તેમણે પુત્રીને દરરોજ ડ્રગ્સ આપવાનો આરોપ પણ લગાવ્યો.
પિતાની અરજીની નોંધ લેતા ગુજરાત હાઈકોર્ટે અમદાવાદ પોલીસને નોટિસ ફટકારી છે. જેમાં હાઈકોર્ટે વહેલી તકે બાળકીને શોધીને કોર્ટમાં રજૂ કરવાનો આદેશ આપ્યો છે. હાઈકોર્ટના આદેશ બાદ અમદાવાદ પોલીસે આ કેસની તપાસ શરૂ કરી છે અને સાથે જ યુવતીની શોધખોળ પણ શરૂ કરી છે. નિવૃત્ત આર્મીમેનનો આરોપ છે કે તેમની પુત્રી છ મહિનાથી ગુમ છે. તે નિયમિત રીતે ઇસ્કોન મંદિરમાં દર્શન અને પૂજા માટે જતી હતી, આ દરમિયાન મંદિરના પૂજારીઓએ તેને વિશ્વાસમાં લીધી અને તેનું બ્રેઇન વોશ કર્યું.
આ પછી પુત્રી પૂજારી સાથે 23 તોલા સોનું અને 3.62 લાખ રૂપિયા રોકડા લઈને ઘરેથી ભાગી ગઈ. હાઈકોર્ટમાં દાખલ કરેલી હેબિયસ કોપર્સ અરજીમાં જણાવાયુ છે કે મંદિરના પૂજારી સુંદરમાએ થોડા સમય પહેલા પુત્રીના લગ્ન તેમના એક શિષ્ય સાથે કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જો કે પૂજારીનો શિષ્ય અન્ય સમુદાયનો હોવાથી લગ્નની ના પાડી હતી. આ પછી આરોપીએ તેને ધમકીઓ આપવાનું શરૂ કર્યું અને થોડા દિવસો પછી તેની પુત્રીનું અપહરણ કરી તેને મથુરાથી એક શિષ્ય સાથે ભગાવી દીધી.
નિવૃત્ત આર્મીમેનનો આરોપ છે કે આ મંદિરમાં છોકરીઓનું બ્રેઈનવોશ કરવામાં આવે છે અને ધર્મના નામે અત્યાચાર કરવામાં આવે છે. ઇસ્કોન મંદિરના પ્રચારકે ઇસ્કોન મંદિર સામે કરવામાં આવેલ આક્ષેપને પાયાવિહોણા ગણાવ્યા. તો બીજી તરફ યુવતિએ સામે આવી સમગ્ર હકિકત જણાવી. યુવતીનો એક વીડિયો સામે આવ્યો જેમાં તેણે કહ્યુ કે તેણે તેની મરજીથી લગ્ન કરી લીધા છે અને તે ઘણી જ ખુશ છે. તે કહે છે કે તે તેની મરજીથી ઘરેથી નીકળી હતી.
તેના પેરેન્ટ્સ જે પણ આરોપ લગાવે છે કે તે બધુ લઈને ભાગી છે તો જાતે ચેક કરી શકો છો, બાય ફ્લાઇટ આવી હતી. ઈચ્છો તો ત્યાં ચેકિંગમાં જોઈ શકો છો કે શું લઈને ભાગી. આ સિવાય તે વધુમાં જણાવે છે કે ગત મે મહિનામાં મારા માતા-પિતાએ મને ખૂબ જ મારી હતી. હું મદદ માટે મારા મિત્રના ઘરે ગઇ પણ તેઓ મને ત્યાંથી પાછી લઈ આવ્યા અને ફરીથી મારી. તેઓ મને ધમકી પણ આપતા કે, અમે તને મારી નાખીશું. અમે પેરેન્ટ્સ છીએ તો તારી સાથે અમે કાંઈ પણ કરી શકીએ છીએ, અમે તને મારી નાખીશું, તારા બળજબરીથી લગ્ન કરાવી દઈશું.
આગળ યુવતિ કહે છે કે એટલે મને લાગ્યું કે મારે અહીંથી જવું પડશે. મારા પેરેન્ટ્સ ખોટી ખોટી ફરિયાદ કરે છે. મારી એટલી વિનંતી છે કે, હું મારી લાઈફમાં ઘણી જ ખુશ છું હું કોઈને હેરાન કરવા માંગતી નથી. તેણે તેના પિતાને લઇને કહ્યુ કે તેમની પાસે બંદુક છે અને મને ધમકી આપે છે કે તું પાછી નહીં આવે તો તને મારી નાખીશું, તને બાળી નાખીશું. મારે તેમને મળવું નથી કે કાંઈ કરવું નથી, મારે તેમને જોવા પણ નથી. આ યુવતિએ કહ્યુ કે તેનું જીવન તેના પેરેન્ટ્સે નર્ક બનાવી દીધુ છે. જો કે તે અત્યારે સારી રીતે જીવે છે તો જીવવા દો. તે કહે છે કે મારે કોઈને હેરાન નથી કરવા. મને ખુશ રહેવા દો અને તે પણ ખુશ રહે એટલી જ મારી વિનંતી છે.
View this post on Instagram