ખબર

દિવાળી બાદ કોરોનાએ ફરીથી માથું ઊંચક્યું, અમદાવાદમાં વધુ કેસ નોંધાતા માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન ઉમેરાયા

છેલ્લા બે વર્ષથી કોરોનાના કારણે દિવાળીના તહેવારમાં રંગત આવી નહોતી, દિવાળીના સમયમાં ઘણા લોકો બહાર ફરવા માટે જતા હોય છે, ખરીદી કરવા માટે જતા હોય છે, પરંતુ બે વર્ષથી જાણે બધું ઠપ થઇ ગયું હતું, પરંતુ આ વર્ષે કોરોના કેસો ઘટવાની સાથે જ લોકો ઘરની બહાર નીકળતા જોવા મળ્યા, બજારમાં પણ ભીડ એકઠી થઇ તો પ્રવાસન સ્થળો ઉપર પણ માનવ મહેરામણ જોવા મળ્યું, ત્યારે હવે ફરી પાછો કોરોના માથું ઊંચકી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

કોરોનાનાં કેસોમાં ઘટાડા બાદ જુલાઇ મહિના પછી અમદાવાદ શહેરમાં એક પણ વિસ્તાર માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મુકાયો ન હતો. પણ બુધવારે શહેરમાં કોરોનાનાં એક સાથે 16 કેસ નોંધાયા હતાં. જેના પગલે મ્યુનિસિપલ કમિશ્નરે દેવ કેસલ ફ્લેટનાં કેટલાંક મકાનોને માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં મુકી દીધા છે. આ ફ્લેટના 20 ઘરના 85 લોકો માઈક્રો કન્ટેન્ટમેન્ટ વિસ્તારમાં મૂકાયા છે.

દેવ કેસલ ફ્લેટમાં એ 101થી 104, એ 201થી 204, એ 301થી 304, એ 401થી 404 અને એ 501થી 504 નંબરનાં ઘરનો સમાવેશ થાય છે. 20 ઘર કન્ટેનમેન્ટ ઝોનમાં મુકાયા છે. આ ઉપરાંત હાઉસ ટૂ હાઉસ અને સ્કિનિંગ કામગીરી હાથ ધરાઇ છે. મીડિયા રીપોર્ટ અનુસાર જે ત્રણ પરિવારમાં કોરોનાનાં કેસ નોંધાયા છે. તેમાંથી એક પરિવાર ગોવા, એક સિક્કિમ અને એક વડોદરા ફરી આવ્યાં છે.

રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરીએ તો હાલ 234 એક્ટિવ કેસ છે. જે પૈકી 07 નાગરિકો વેન્ટિલેટર પર છે. જ્યારે 227 નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 8,16,542 નાગરિકોએ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. 10090 નાગરિકોનાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યા છે.