રંગમાં ભંગ ! હોળી-ધુળેટી રમવાનો જો પ્લાન બનાવી રહ્યા હોવ તો જલ્દીથી આ વાંચી લેજો

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કોરોનાનો કહેર ઘણો ઓછો થઇ ગયો છે. ત્યારે કેસ પણ ઘણા ઓછા આવી રહ્યા છે, અને કોરોનાના નિયંત્રણોમાં પણ સરકાર દ્વારા છૂટછાટ આપવામાં આવી છે. ત્યારે હવે હોળી ધુળેટીનો તહેવાર આવી રહ્યો છે, જેને પગલે અમદાવાદ પોલિસ કમિશ્નર અજય શ્રીવાસ્તવે હોળી ધુળેટીના તહેવારને લઇને જાહેરનામુ બહાર પાડ્યુ છે. 17 માર્ચ 2022 અને 18 માર્ચ 2022ના રોજ હોળી અને ધુળેટીનો તહેવાર ઉજવવામાં આવવાનો છે અને આ તહેવાર માટે અમદાવાદ પોલિસ કમિશ્નરે જાહેરનામુ બહાર પાડ્યુ છે. આ તહેવારને લઇને લોકો મોટી સંખ્યામાં એકઠા થતા હોય છે અને જાહેર જગ્યા પર તેમજ ખુલ્લા મેદાનો તથા રસ્તાઓ પર મોટી સંખ્યામાં એકત્રીત થતા હોય છે.

ત્યારે આવતા-જતા રાહદારીઓ તથા વાહનોમાં આવતા જતા લોકો પાસેથી હોળી-ધુળેટીના પૈસા ઉઘરાવવા, રંગ ઉડાવવો અથવા તો કોઇ તેલી વસ્તુઓ ફેંકવાની શક્યતાઓ છે. આ વસ્તુઓને કારણે જ જાહેર જનતાને અડચણ, ત્રાસ અથવા ઇજા થવાની અથવા જાહેર સુલેહ શાંતિનો ભંગ થવાની શક્યતા રહેલી છે, જેને નકારી શકાય નહિ. જેને કારણે આવા કૃત્યો પર પ્રતિબંધ મૂકવો જરૂરી જણાય છે. ફોજદારી કાર્યરિતિ અધિનિયમ સને-1973 (1974ના નાર)ની કલમ-144 મુજબ તા.15-03-2022થી તા.22-03-2022 સુધીનું જાહેરનામું પ્રસિધ્ધ કર્યુ છે.

હોળી-ધુળેટીના તહેવારમાં કોઇપણ વ્યક્તિએ જાહેર જગ્યાએ આવતા-જતા રાહદારીઓ ઉપર અથવા મકાનો અથવા મિલ્કતો વાહનો ઉપર અથવા વાહનોમાં જતા-આવતા શબ્દો ઉપર કાદવ, કિચડ, રંગ અથવા રંગ મિશ્રિત કરેલા પાણી અથવા તૈલી તથા આવી બીજી કોઇ વસ્તુઓ નાંખવી કે નખાવવી નહિ. હોળી-ધુળેટીના પૈસા ઉઘરાવવા નહિ અને કોઇ પણ ઈરાદાથી જાહેર રસ્તા ઉપર જતા આવતા રાહદારીઓને રોકવા નહિ અને વાહનો પણ રોકવા નહીં.

આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર ભારતીય ફોજદારી અધિનિયમ સને-1960ના અધિનિયમ-45ની કલમ-188 મુજબ શિક્ષાને પાત્ર થશે. તમને જણાવી દઇએ કે, છેલ્લા બે એક વર્ષથી રાજયમાં કોરોનાના કહેરને કારણે ઘણા તહેવારની ઉજવણી પર પ્રતિબંધ લગાવવામાં આવ્યા હતા અને તે બાદ છેલ્લા કેટલાક દિવસથી જ રાજય સરકાર દ્વારા ગાઇડલાઇનમાં છૂટછાટ આપવામાં આવી છે. પરંતુ કોરોનાનું સંક્રમણ વધે નહિ તે માટે અમદાવાદના રાજપથ, કર્ણાવતી અને YMCA ક્લબમાં હોળીની ઉજવણી નહીં થઇ શકે.

Shah Jina