અમદાવાદના યુવાન દંપતીએ અચાનક જ કરી લીધી આત્મહત્યા, વિગતો બહાર આવતા જ હડકંપ મચી ગયો

4 લાખ માટે રોજનું અધધ હાજર વ્યાજ ચુકવ્યું, ચાંદલોડિયામાં 33 વર્ષના હિતેષ અને તેમની પત્ની એકતાએ કેનાલમાં ઝંપલાવી મોટા ભાઈને મેસેજ કરીને શું લખ્યું ? જાણો

ગુજરાતમાંથી છેલ્લા ઘણા સમયથી આપઘાતના કિસ્સાઓમાં વધારો થઇ રહ્યો છે. ઘણા લોકો કોઇ આર્થિક પરેશાનીને લઇને પોતાનું જીવન ટૂંકાવી લેતા હોય છે. ત્યારે હાલ અમદાવાદમાંથી એક આવો જ કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક યુવાન દંપતીએ વ્યાજખોરોના ત્રાસથી પોતાનું જીવન ટૂંકાવી લીધુ. ચાંદલોડિયાના ભવાનપુરા સોસાયટીમાં રહેતા 33 વર્ષિય હિતેષ પંચાલ અને તેમની પત્ની એકતાએ 24 ડીસેમ્બરના રોજ કેનાલમાં પડી આપઘાત કરી લીધો હતો. આપઘાત પહેલાં હિતેષ પંચાલે પોતાના મોટા ભાઈને વ્યાજખોરોનો ત્રાસ હોવાના મેસેજ કર્યા હતા.

પ્રતિકાત્મક તસવીર

ઘટનાની વિગત તપાસીએ તો વોટ્સએપ મેસેજના આધારે સોલા પોલીસે સિંધુ ભવન રોડના જગદિશ દેસાઈ, જલા દેસાઈ અને વ્યાસવાડી વિસ્તારના જીતેન્દ્રસિંહ ઉર્ફે જીતુ વાઘેલા નામના વ્યાજખોરો સામે ગુનો નોંધી તપાસ કાર્યવાહી શરૂ કરી છે. હિતેષ મેડિકલ સ્ટોરમાં નોકરી કરતો હતો અને તેમની પત્ની એકતા ઘરકામ કરતી હતી. 24 ડિસેમ્બરના રોજ મોટા ભાઇ અલ્પેશભાઈના મોબાઈલ ફોન પર નાના ભાઈ હિતેષે મેસેજ કર્યો હતો કે, અમે અમારી મરજીથી સુસાઈડ કરીએ છીએ. તેમણે મેસેજમાં કહ્યુ હતુ કે વ્યાજ ભરી ભરીને તેઓ થાકી ગયા છે. મારા ઘરવાળા કંઈ જાણતા નથી અને અમારા ગયા પછી કોઈ મારા ઘરવાળાને હેરાન ન કરે તેનું ધ્યાન રાખજો.

પ્રતિકાત્મક તસવીર

તેમણે આગળ મેસેજમાં લખ્યુ હતુ કે, તેમણે લોકોને મૂડી કરતાં વ્યાજ વધારે આપ્યું છે. હવે તેમની વ્યાજ ચૂકવણી કરવાની તાકાત નથી તો તેઓ તેમને ન્યાય અપાવે. વ્યાજવાળા બીજા જોડે આવું ન કરે એનું ધ્યાન રાખજો. બાય બાય, ગુડબાય. હિતેશે આ મેસેજ સાથે લોકેશન પણ મોકલ્યું હતું. અલ્પેશભાઈએ પિતાને જાણ કરતાં તેમણે ઘરે આવીને પત્નીને હિતેષ અને તેની પત્ની ક્યાં છે તેમ પૂછ્યું હતું. નાનો દિકરો અને તેની પત્ની એકતા સાંજે લગભગ પાંચ વાગ્યા આશપાસ એકતાના પિતા સરખેજમાં બિમાર છે તેમની ખબર કાઢવા જઈ રહ્યા હોવાનું કહીને નિકળ્યા હતા.

પ્રતિકાત્મક તસવીર

બાઈક ઉપર નીકળેલા હિતેષ અને એકતા વેવાઈના ઘરે મળ્યા નહોતા. અને ત્યારે અલ્પેશે તેના બનેવી વિષ્ણુભાઈ કડી ખાતે રહે છે તેમને લોકેશન મોકલી તપાસ કરવા કહ્યું હતું. તપાસ કરતાં શીયાપુરા કેનાલ પાસે હિતેષની પલ્સર બાઈક મળી આવી હતી અને સાથે જ એકતાનો મોબાઈલ ફોન પણ મળી આવ્યો હતો પરંતુ હિતેષ અને એકતાનો પતો નહોતો. બે દિવસ બાદ એટલે કે 26 તારીખના રોજ બપોરે નાની કુમાદ કેનાલમાંથી હિતેષનો મૃતદેહ મળી આવ્યો હતો. પરંતુ એકતાનો મૃતદેહ 29 ડિસેમ્બરે બપોરે સુરેન્દ્રનગરના લખતર પાસેના લીલાપુર ગામ નજીક ઢાંકી પમ્પીંગ સ્ટેશન પાસેથી મળી આવ્યો હતો.

નોંધનીય છે કે, હિતેષને ધંધામાં નુકસાન થયુ હતુ અને બે વર્ષ પહેલા સિંધુભવન રોડ પર આવેલી જગદિશભાઈની ઓફિસેથી તેણે 4 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. 12 ટકા લેખે વ્યાજપેટે 50000 કાપીને પૈસા આપ્યા પછી હિતેષ રોજના 4000 રૂપિયા વ્યાજ ચૂકવતો હતો. દોઢ લાખ રૂપિયા પરત ચૂકવ્યા પછી પણ પૈસા અને વ્યાજની અવારનવાર માગણી કરવામાં આવતી હતી. હિતેષ આ દબાણ સહન નહોતો કરી શકતો, માટે તેણે પત્ની સાથે કડી પાસે નર્મદા કેનાલમાં જંપલાવીને જીવન ટૂંકાવ્યું.

Shah Jina