ગાધીનગરનાં પતિ પત્ની J&K ગયા હતા ફરવા, રિવર રાફ્ટિંગ દરમિયાન બોટ પલટી ખાઈ જતાં મોતને ભેટ્યા

એ…એ…એ કરતાં બોટ ગઇ:ગાધીનગરનાં દંપતીનું જમ્મુ કાશ્મીરમાં રિવર રાફટિંગ દરમિયાન તણાઈ જતાં મોત, વીડિઓ વાયરલ

River Rafting In Jammu-Kashmir : ગુજરાત સમેત દેશભરમાંથી ઘણીવાર અકસ્માતે મોતના ઘણા કિસ્સા સામે આવે છે. કોઇનું રોડ અકસ્માતમાં તો કોઇનું કોઇ અન્ય કારણોસર મોત થતા ચકચારી મચી જતી હોય છે. જો કે, ઘણીવાર કોઇ ફરવા માટે ગયા હોય અને ત્યાં પણ કોઇ એવી ઘટના બની જાય જેના કારણે તેમના મોત થતા હોવાના પણ સમાચાર કેટલીકવાર સામે આવે છે. ત્યારે હાલમાં જ એક સમાચાર સામે આવ્યા,

જેમાં અમદાવાદ મુકામે રહેતા ગાંધીનગરના મોતીપુરા ગામના વતની ભીખાભાઈ અને તેમની પત્ની સુમિત્રાબેનનું પહેલગામમાં રિવર રાફટિંગ દરમિયાન પાણીમાં તણાઈને ડૂબી જવાને કારણે મોત થયુ હતુ. આ ઘટના બાદથી પરિવાર સહિત ગામમાં શોકનો માહોલ છવાયો છે. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં સામે આવ્યા બાદ વાયરલ થઇ ગયો.

ગાંધીનગરના સાદરા-મોતીપુરા ગામના વતની ભીખાભાઈ પટેલ તેમના પત્ની સુમિત્રાબેન સાથે અમદાવાદ ખાતે રહેતાં હતાં અને તેમને એક પુત્ર છે જે કેનેડા છે. લગભગ પાંચેક દિવસ પહેલા ભીખાભાઈ અને તેમની પત્ની સુમિત્રાબેન તેમના વેવાઈની સાથે કાશ્મીરની સહેલગાહ પર ગયા હતા. આ દરમિયાન જ દંપતીની આ સફર છેલ્લી સફર બની ગઈ. જમ્મુ કાશ્મીરમાં અનેક સ્થળોએ ફર્યા બાદ દંપતી પહેલગામ પહોંચ્યા અને અન્ય સહેલાણીઓ સાથે તેઓ રિવર રાફટિંગ કરવા માટે બોટમાં બેઠા.

જો કે, આગળ જતાં પાણીનો પ્રવાહ ધસમસતો હોવાને કારણે કોઈ કારણસર બોટના ખલાસીએ બોટ પરનો કાબુ ગુમાવી દીધો અને તેના કારણે બોટ હિલોળે ચડવા માંડી. જો કે, પળવારમાં જ વિશાળ ધોધના પાણીના પ્રવાહમાં બોટ તણાઈ ગઇ અને આ દુર્ઘટનામાં બોટમાં બેઠેલા ચાર પૈકી એકનો બચાવ થયો અને અમદાવાદના પટેલ દંપતિ ભીખાભાઈ અને તેમની પત્ની સુમિત્રાબેન તેમજ અન્ય એક નદીના તેજ પ્રવાહમાં તણાઈ ગાયા. જેને કારણે તેઓ મોતને ભેટ્યા.

જો કે, ઘટના બાદ સર્ચ ઓપરેશન હાથ ધરાયુ હતુ પરંતુ તેમના મૃતદેહ જ હાથ લાગ્યા હતા. જે બાદ તેમના મૃતદેહને હવાઈ માર્ગે પરત લાવી ગામમાં અંતિમ સંસ્કાર કરવામાં આવવાના છે. જણાવી દઇએ કે, મૃતક ભીખાભાઈ પટેલ તેમના પત્ની સુમિત્રાબેન સાથે અમદાવાદના કૃષ્ણનગર ખાતે રહેતા હતા.

Shah Jina