સ્માર્ટ સિટીનો શરમજનક નજારો : અમદાવાદમાં ચાલતી કાર જમીનમાં ધસાઇ ગઇ, કારચાલકે ધોળે દિવસે નજીકથી જોયો યમરાજનો દરબાર

અમદાવાદના શાહીબાગમાં પડ્યો મોટો ભુવો, ગાડીઓ થઇ ગઈ જમીનદોષ, તસવીરો જોઈને ધ્રુજી ઉઠશો

રવિવારના રોજ વરસેલા મૂશળધાર વરસાદને કારણે આખું અમદાવાદ પાણી પાણી થઇ ગયુ છે. અનેક જગ્યાએ લોકોના વાહન તણાતા જોવા મળ્યા હતા તો કેટલીક જગ્યાએ સોસાયટીમાં ઢીંચણ સમા પાણી ભરાયેલા જોવા મળ્યા હતા. ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. રવિવારે સાંજથી શરૂ થયેલ મેઘતાંડવના કારણે અમદાવાદ તળાવમાં ફેરવાઈ ગયું હોય તેમ લાગી રહ્યુ હતુ.

જો કે, આજે એટલે કે સોમવારે સવારે પણ દાણીલીમડા ગામ, સિંધુ ભવન રોડ વિસ્તાર, ઈસ્કોન બ્રિજથી બોપલ જવાના રસ્તા પર, ઘુમા, આંબલી, ગોમતીપુરની ચાલીઓ સહિતના વિસ્તારોમાં 2-3 ફૂટ પાણી ભરાયેલા જોવા મળ્યા હતા. ભારે વરસાદ બાદ આજે સ્માર્ટ સિટીનો શરમજનક નજારો જોવા મળ્યો હતો. શાહીબાગ કેન્ટોન્મેન્ટ વિસ્તારમાં રોડ પર મોટો ભુવો પડ્યો હતો અને તેને પગલે કાર જમીનમાં સમાઇ ગઇ હતી. એક જ રાતમાં જળબંબાકારની સ્થિતિ સર્જાતા અમદાવાદ સરોવરમાં ફેરવાઇ ગયુ હતુ.

છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં સરેરાશ 8.5 ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે. કેટલાક વિસ્તારોમાં તો 18 ઇંચથી પણ વધારે વરસાદ ખાબક્યો છે. શાહીબાગમાં રસ્તા પર એક કાર જઈ રહી હતી અને જોતજોતામાં જ રસ્તામાં ભુવો પડતા કાર જમીનમાં સમાઇ ગઇ હતી. કારમાં સવાર લોકોને ઈજાઓ પણ પહોંચી હતી. ભારે વરસાદ બાદ શહેરમાં તારાજીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, પોશ વિસ્તારથી લઈને પછાત વિસ્તાર બધે જ પાણી પાણી જોવા મળી રહ્યુ છે.

ઘરો અને દુકાનોમાં પણ હજુ તો પાણી ઉતર્યા નથી, લોકો હાલાકી ભોગવી રહ્યા છે ત્યાં હવે રસ્તાઓને કારણે પણ લોકોને હાલાકી થઇ રહી છે. શાહીબાગમાં કારના જમીનમાં ધસાઇ જવાના ભયાનક દ્રશ્યો જોયા બાદ તો રૂંવાડા પણ ઊભા થઇ જાય તેમ છે. ઉલ્લેખનીય છે કે, શહેરના પાલડી, વાસણા, વેજલપુર સહિત અનેક વિસ્તારમાં અનરાધાર વરસાદને પગલે ભોંયરાની દુકાનો આખી પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી અને તેના કારણે વેપારીઓને પણ ઘણુ નુકશાન થયુ છે.

જો કે, વરસાદને બંધ થયાને લગભગ 4-5 કલાકથી પણ વધુ સમય થઇ ગયો છે, તેમ છત્તાં પણ વરસાદના પાણી હજી સુધી ઓસર્યા નથી.રવિવારે સાંજથી મોડી રાત સુધી પડેલા વરસાદથી મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રની પ્રિ મોન્સૂન કામગીરીની પોલ પણ ખુલી ગઇ હતી. આ કામગીરીના નામે કરોડો રૂપિયા ડ્રેનેજ, કેચપીટ સફાઈ પાછળ ખર્ચે છે. પરંતુ સિઝનના પહેલા મૂશળધાર વરસાદે તંત્રની કામગીરીની પોલ ખૂલી કરી દીધી હતી.

Shah Jina